અમદાવાદ– શેરબજારમાં આજે શરૂની મજબૂતી પછી નરમાઈ આગળ વધી હતી. પીએનબી કૌભાંડમાં એસએફઆઈઓ દ્વારા આઈસીઆઈસીઆઈ બેંકના સીઈઓ ચંદા કોચર અને એક્સિસ બેંકના સીઈઓ શિખા શર્માને સમન્સ ઈસ્યૂ કરાયા છે, જે સમાચાર પછી બેંક શેરોમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી. જે પછી તમામ સેકટરના શેરોના ભાવ ગગડ્યા હતા. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 429.58(1.27 ટકા) ગગડી 33,317.20 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 109.60(1.06 ટકા) તૂટી 10,249.25 બંધ થયો હતો.આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટની તેજી પાછળ સવારે ભારતીય શેરબજારની શરૂઆત સારી થઈ હતી. એક તબક્કે સેન્સેક્સમાં 300થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો અને સેન્સેક્સ ઈન્ટ્રા-ડેમાં વધીને 34,060 થયો હતો. નિફટી પણ 90થી વધુ પોઈન્ટ ઊંચકાયો હતો. પણ પીએનબી કૌભાંડની તપાસ આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંક સુધી આવી છે. જે સમાચારથી શેરોની જાતે-જાતમાં ઑલરાઉન્ડ વેચવાલી ફરી વળી હતી. અને માર્કેટ ઊંચા મથાળેથી ઝડપી ગબડ્યું હતું. ઈન્ટ્રા-ડે હાઈથી જોઈએ તો સેન્સેક્સ 851 પોઈન્ટ અને નિફટી 226 પોઈન્ટ તૂટ્યો હતો.