ઑલ ટાઈમ હાઈ શેરબજારઃ સેન્સેક્સ વધુ 88 પોઈન્ટ પ્લસ

અમદાવાદ– શેરબજારમાં બે તરફી વધઘટ વચ્ચે રેકોર્ડબ્રેક તેજીની આગેકૂચ રહી હતી. સેન્સેક્સ અને નિફટીએ લાઈફ ટાઈમ હાઈના નવા લેવલ બતાવ્યા હતા. જો કે સુપ્રીમ કોર્ટના ચાર જજોએ પ્રેસ કોન્ફરન્સ કરતાં એક તબક્કે માર્કેટમાં પેનિક આવ્યું હતું, અને માર્કેટ તૂટયું હતું, જોકે પાછળથી નવી લેવાલીના ટેકાથી શેરબજારમાં ઘટ્યા મથાળેથી ઝડપી સુધારો આવ્યો હતો. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 88.90(0.26 ટકા) વધી 34,592.39 બંધ રહ્યો હતો. તેમજ નિફટી 30.05(0.28 ટકા) વધી 10,681.25 બંધ થયો હતો. સેન્સેક્સ અને નિફટી ઑલ ટાઈમ હાઈ બંધ રહ્યા હતા. ભારતના ઈતિહાસમાં પ્રથમવાર સુપ્રીમ કોર્ટના 4 સીનીયર જજોએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે કોર્ટનું વહીવટી તંત્ર જે કામ કરવું જોઈએ તે નથી કરી રહ્યું. જે સમાચાર પછી શેરબજારમાં ભારે વેચવાલી ફરી વળી હતી, અને શેરોના ભાવમાં ગાબડા પડ્યા હતા, સેન્સેક્સ ઊંચા મથાળેથી 296 પોઈન્ટ અને નિફટી 40 પોઈન્ટ તૂટ્યો હતો. જો કે બ્લુચિપ શેરોમાં નીચા મથાળે નવી લેવાલીનો ટેકો આવ્યો, અને માર્કેટ ઘટ્યા મથાળેથી ઊંચકાયું હતું. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ હતા, તેમજ રીટેઈલમાં 100 ટકા એફડીઆઈની છૂટને પગલે તેજીવાળા અને એફઆઈઆઈની બ્લુચિપ શેરોમાં નવી લેવાલી ચાલુ રહી હતી, અને માર્કેટ ઑલ ટાઈમ હાઈ બંધ થયું હતું.

  • ગુરુવારે અમેરિકન સ્ટોક માર્કેટ નવી ઊંચાઈ પર બંધ રહ્યું હતું. ડાઉ જોન્સ 206 પોઈન્ટ વધી 25,575 બંધ રહ્યો હતો, અને નેસ્ડેક 58 પોઈન્ટ વધી 7212 બંધ થયો હતો.
  • ટીસીએસના પરિણામ પછી ટીસીએસના શેરનો ભાવ રૂપિયા 15.50 ઘટી રૂ.2772.90 બંધ રહ્યો હતો.
  • ઈન્ફોસીસના ત્રીજા ત્રિમાસિકગાળાનો નફો રૂ.5,129 કરોડ નોંધાયો છે. અને કુલ આવક રૂ.17,794 કરોડ થઈ હતી.
  • પરિણામ અગાઉ ઈન્ફોસીસના શેરનો ભાવ રૂ.2.80 વધી રૂ.1078.40 બંધ રહ્યો હતો.
  • આજે તેજી બજારમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ, એફએમસીજી, હેલ્થકેર અને પીએસયુ સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.
  • બેંક, કેપિટલ ગુડ્ઝ, મેટલ, ઓઈલ અને ગેસ સેકટરના શેરોમાં નવી લેવાલીથી તેજીની આગેકૂચ રહી હતી.
  • રોકડાના શેરોમાં ઉછાળે વેચવાલી આવી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 30.74 માઈનસ બંધ હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 9.26 પ્લસ બંધ થયો હતો.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]