મુંબઈઃ ભારતીય મૂળના અમેરિકન નાગરિક અજય બંગા વર્લ્ડ બેન્કના નવા પ્રેસિડેન્ટ બની ગયા છે. બેન્કના 25-સભ્યોની કાર્યકારી મંડળે પ્રેસિડેન્ટ પદે ગઈ કાલે અજય બંગાની નિયુક્તિ કરી. બંગાનો કાર્યકાળ આવતી બીજી જૂનથી શરૂ થશે. તેઓ ડેવિડ મલપાસના અનુગામી બન્યા છે. બેન્કના કાર્યકારી બોર્ડે માસ્ટરકાર્ડ કંપનીના ભૂતપૂર્વ સીઈઓ અજય બંગાની આવતા પાંચ વર્ષ સુધી વર્લ્ડ બેન્કના પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરી છે. અમેરિકાના પ્રમુખ જો બાઈડને વર્લ્ડ બેન્કના પ્રમુખપદ માટે 63 વર્ષીય બંગાના નામને મંજૂરી આપી હતી.
કોણ છે અજય બંગા?
શીખ સંપ્રદાયના અજય બંગાનું આખું નામ છે અજયપાલ બંગા. તેઓ હાલ જનરલ એટલાન્ટિકમાં વાઈસ-ચેરમેન છે. એ પૂર્વે એમણે 11 વર્ષ સુધી માસ્ટરકાર્ડમાં પ્રેસિડેન્ટ અને સીઈઓ પદ સંભાળ્યું હતું. એમણે પોતાની કારકિર્દી નેસ્લે કંપનીથી શરૂ કરી હતી. ત્યાં માર્કેટિંગ, સેલ્સ અને મેનેજમેન્ટ વિભાગોમાં 10 વર્ષ સુધી કામ કર્યું હતું. આ ઉપરાંત તેઓ બીજી અનેક કંપનીઓમાં પણ મહત્ત્વનું પદ સંભાળી ચૂક્યા છે.
અજય બંગાના પિતા ભારતીય સેનામાં અધિકારી હતા. અજય બંગાનો જન્મ પૂણે જિલ્લાના ખડકી ખાતે થયો હતો. એમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું અને આઈઆઈએમ-અમદાવાદમાંથી એમબીએ અભ્યાસ પૂરો કર્યો હતો. વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રમાં કરેલી પ્રશંસનીય કામગીરી બદલ 2016માં ભારત સરકારે એમને પદ્મશ્રી ખિતાબથી સમ્માનિત કર્યા હતા.
