મુંબઈઃ લોકોને સસ્તા ભાડામાં વિમાન પ્રવાસ કરાવતી એરલાઈન એર ઈન્ડિયા એક્સપ્રેસ આવતા 15 મહિનામાં તેના કાફલામાં 50 નવા બોઈંગ 737 મેક્સ વિમાનનો ઉમેરો કરવાની છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ (AIX) ભારતીય ધ્વજવાહક એરલાઈન એર ઈન્ડિયાની સંપૂર્ણ માલિકીની એર ઈન્ડિયા ચાર્ટર્સ લિમિટેડ કંપની દ્વારા સંચાલિત છે. તેનું મુખ્યાલય કેરળના કોચી શહેરમાં આવેલું છે. AIX કનેક્ટના મેનેજિંગ ડિરેક્ટર આલોક સિંહે કર્મચારીઓને મોકલાવેલા એમના સાપ્તાહિક સંદેશમાં આમ જણાવ્યું છે.
એરલાઈનના કાફલામાં 50 બોઈંગ વિમાન ઉમેરાશે તેથી એનું નેટવર્ક વિસ્તાર પામશે. તે નવા સ્થળોએ વિમાન સેવા શરૂ કરી શકશે અને હાલના રૂટ્સ પર ફ્લાઈટ્સની સંખ્યા વધારી શકશે. આ એરલાઈનમાં તાલીમના વિવિધ તબક્કા હેઠળ 800થી વધારે એરક્રૂ તથા અન્ય ઓપરેશનલ કર્મચારીઓ જોડાયા છે.
