અમદાવાદઃ રસોઈ માટેનું ફોર્ચ્યૂન રાઈસ બ્રાન તેલ બનાવતી અદાણી વિલ્મર કંપનીએ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રમુખ સૌરવ ગાંગુલીને તેલનો પ્રચાર કરતી જાહેરખબરોને હાલ અટકાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે 48 વર્ષીય ગાંગુલીને ગયા અઠવાડિયે હાર્ટ એટેક આવ્યો હતો અને તે હાલ કોલકાતાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ફોર્ચ્યૂન રાઈસ બ્રાન તેલની જાહેરખબરમાં એવું દર્શાવતી ગાંગુલીની તસવીર હતી કે આ તેલ હૃદયના આરોગ્ય માટે ઉત્તમ છે. આ તેલની સોશિયલ મિડિયા પર આકરી ટીકા કરાયા બાદ અદાણી ગ્રુપની આ કંપનીએ તેની જાહેરખબરને અટકાવી દેવાનો નિર્ણય લીધો છે. હવે આ બ્રાન્ડ માટેની ક્રીએટિવ એડવર્ટાઈઝિંગ એજન્સી ઓગિલ્વાઈ એન્ડ માથેર નવી જાહેરખબર તૈયાર કરવાના કામમાં લાગી પડી છે.