અદાણી ઈન્ટરનેશનલ કન્ટેઈનર્સનો બોન્ડ ઈસ્યુ લિસ્ટેડ

મુંબઈ: અદાણી ઈન્ટરનેશનલ કન્ટેઈનર પ્રાઈવેટ લિમિટેડે તેના સૌપ્રથમ 30 કરોડ યુએસ ડોલરના ફોરેન કરન્સી બોન્ડ ઈશ્યુને ગિફ્ટ સિટી ખાતે આવેલા ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેન્જ (ઈન્ડિયા INX)ના ગ્લોબલ સિક્યુરિટીઝમાર્કેટ પ્લેટફોર્મ પર લિસ્ટ કર્યો છે. ગ્લોબલ સિક્યુરિટી પ્લેટફોર્મ પર આ પ્રથમ કોર્પોરેટ ઈશ્યુ છે. ઈશ્યુઅરે 2031માં પાકતી સિનિયર નોટ્સ દ્વારા માત્ર ત્રણ ટકાના અતિ સ્પર્ધાત્મક દરે આ નાણાં એકત્ર કર્યાં છે.

ગિફ્ટ આઈએફએસસી પરના જીએસએમ પર ઓવરસીઝ ઈન્સ્ટ્રુમેન્ટ્સના લિસ્ટિંગ માટે ઈન્ડિયા INX અગ્રણી પ્લેટફોર્મ છે. ઈન્ડિયા INX ઈન્ટરનેશનલ સ્થળોની સમકક્ષ માર્ગદર્શિકા મુજબ નાણાં એકત્ર કરવાની સુવિધા પૂરી પાડે છે. જાન્યુઆરી 2018માં પ્રારંભ થયો ત્યારથી આ પ્લેટફોર્મ પર 48.5 અબજ ડોલરની MTN અને આ લિસ્ટિંગ સાથે 22.9 અબજ યુએસ ડોલરનાં બોન્ડ્સનું લિસ્ટિંગ થયું છે.

ઈન્ડિયા INXના એમડી અને સીઈઓ વી. બાલાસુબ્રહ્મણિયમે કહ્યું કે અમે અદાણી ઈન્ટરનેશનલ કન્ટેઈનર પ્રાઈવેટ લિમિટેડના 30 કરોડ યુએસ ડોલરના ઈશ્યુનું સ્વાગત કરીએ છીએ. અદાણી જેવા મોટા કોર્પોરેટ ગ્રુપે ઈન્ડિયા આઈએનએક્સના પ્લેટફોર્મની પસંદગી કરી એનો અમને આનંદ છે.