લસણની કિંમતો એક વર્ષમાં રેકોર્ડ 1800 ટકા વધી

નવી દિલ્હીઃ લસણની કિંમતો રેકોર્ડ ઊંચાઈએ પહોંચી છે. ગયા વર્ષની તુલનાએ આ વર્ષે લસણની કિંમતોમાં 1800 ટકાની તેજી જોવા મળી છે. લસણની કિંમતોમાં ભાવવધારાનું સૌથી મોટું કારણ માગમાં વધારાને આભારી છે. આ ઉપરાંત લસણનો નવો પાક બજારમાં ના આવવાને કારણે કિંમતો વધારો જોવા મળ્યો છે. જોકે બે મહિનાના ગેપ પછી હવે લસણનો સપ્લાય શરૂ થયો છે. જ્યારે ગુજરાત અને રાજસ્થાનના લસણ માર્ચમાં બજારમાં આવશે.

લસણ એ ભારત અને ચીન જેવા પરંપરાગત દેશોમાં સૌથી પ્રાચીન વાનગીઓના સ્વાદનું રહસ્ય છે, તો બીજી તરફ આધુનિક યુરોપિયન ભોજન પણ તેના વિના અધૂરું છે. કોલકાતાથી માંડીને અમદાવાદ સુધી લસણનો એક કિલોનો ભાવ રૂ. 450થી રૂ. 500એ પહોંચ્યો છે. છેલ્લા 15 દિવસોમાં લસણની કિંમતો વધીને રૂ. 500એ પહોંચી છે. એક અહેવાલ અનુસાર વેપારીઓનું કહેવું છે કે એક મહિનામાં સ્થિતિ સામાન્ય થશે. ઊંચી કિંમતોને કારણે લોકો લસણની ખરીદીમાં કાપ મૂકી રહ્યા છે.

વળી, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર અને ઉત્તર બંગાળના કેટલાક વિસ્તારોમાં જુલાઈમાં પાકને નુકસાન થયું હતું, જેથી બજારમાં માલની આવકો ઓછી થતાં ભાવવધારો થયો હતો. દેશમાં લસણના કુલ ઉત્પાદનમાં મહારાષ્ટ્રનું યોગદાન 40 ટકા છે.

ગુજરાતમાં લસણના ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યારે લસણની ચોરીની ઘટનાઓ પણ બની છે. શહેરના વાસણા વિસ્તારમાં આવેલા APMCમાં લસણની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. અજાણ્યા શખસો ધોળે દિવસે લસણના 14 કોથળા રિક્ષામાં ભરીને ફરાર થઈ ગયા હતા. વેપારીએ બે અજાણ્યા શખ્સો સામે લસણની ચોરીની ફરિયાદ નોંધાવી છે.