નવી દિલ્હીઃ આગામી વર્ષે સામાન્ય ચૂંટણીને જોતાં કેન્દ્રમાં રહેલી ભાજપના નેતૃત્વવાળી સરકાર આગામી તહેવારોની સીઝન અને ફેબ્રુઆરીમાં વચગાળાના બજેટમાં કેટલીય મોટી યોજનાઓની ઘોષણા કરવાની યોજના બનાવી રહી છે. મોદી સરકાર શહેરવાસીઓ માટે હોમ લોન યોજનાની ઘોષણા કરવામાં આવે એવી વકી છે. એ સાથે સરકાર ફ્યુઅલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં કાપ મૂકે એવી સંભાવના છે. આ વચગાળાના બજેટમાં ખસ્તા અર્થતંત્રને પુનર્જીવિત કરવા અને વધુ રોજગારીના સર્જન પેદા કરવાના પ્રકારોમાં ભાર મૂકવામાં આવશે.
FY24ના કેન્દ્રીય બજેટમાં કેન્દ્રએ લોકસભા ચૂંટણી પહેલાં જાહેર ખર્ચ દ્વારા વિકાસને પ્રોત્સાહન આપવા માટે ચાલુ નાણાકીય વર્ષ માટે રૂ. 10 લાખ કરોડના રેકોર્ડ કેપેક્સની ફાળવણી કરી હતી. સ્વતંત્રતા દિવસે વડા પ્રધાન મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દેશમાં એપ્રિલ-મે, 2024માં મતદાન કરશે અને તેઓ સતત ત્રીજી વાર વડા પ્રધાનપદે આરૂઢ થશે.
તિરંગો ફરકાવ્યા પછી મોદીએ કહ્યું હતું કે આગામી 15 ઓગસ્ટે આ લાલ કિલ્લા પરથી દેશની સફળતાઓ તમારી સામે મૂકીશ. તેમણે કહ્યું હતું કે જે લોકો શહેરોમાં ભાડાના મકાનમાં રહે છે, તેમને સરકાર પોતાનું ઘર બનાવવામાં મદદ કરવા માટે નવી યોજના લઈને આવશે. તેમણે રાષ્ટ્રને નામે કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે અમે શહેરોમાં ભાડાના મકાનો, અનધિકૃત કોલોની અને ઝૂંપડીઓમાં રહેતા પરિવારોને પોતાનું ઘર બનાવવા માટે લાખો રૂપિયાની મદદ આપીને બેન્ક લોનના વ્યાજમાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે.