63 મૂન્સ ટેક્નો.નો સાયબર સિક્યોરિટી ક્ષેત્રે પ્રવેશ, અમદાવાદમાં રોડ-શો

નવી દિલ્હીઃ 63 મૂન્સ ટેક્નોલોજીસ લિમિટેડ હવે સાયબર સિક્યોરિટી ક્ષેત્રે ફ્રેન્ચાઇઝી મોડેલનો પહેલી માર્ચ, 2024થી પ્રારંભ કરી રહી છે. ફ્રેન્ચાઇઝીની નિમણૂક કરવા માટેના આ કાર્યની શરૂઆત દેશમાં ઝડપથી વિકસી રહેલા અમદાવાદથી થઈ રહી છે. કંપનીએ  નવીનતા અને પરિવર્તન લાવનારી ટેક્નોલોજી લાવવાની પરંપરા જાળવીને હવે સાયબર સિક્યોરિટી ક્ષેત્રે પદાર્પણ કર્યું છે. કંપનીએ જણાવ્યા મુજબ પ્રથમ રોડ-શો પહેલી માર્ચે અમદાવાદમાં વસ્ત્રાપુર સ્થિત હયાત અમદાવાદમાં યોજાઈ રહ્યો છે. ત્યાર બાદ દેશભરમાં રોડ-શો યોજાશે.

કંપનીના CEO નિહાર પઠારે આ અંગે જણાવે છે કે દેશભરમાં 20 લાખ ટ્રેડિંગ ટર્મિનલ્સ ધરાવતા ઓડિન ટ્રેડિંગ પ્લેટફોર્મ અને એમસીએક્સ, આઇઈએક્સ, ડીજીસીએક્સ, એસએમએક્સ, એમસીએક્સએસએસ, વગેરે જેવાં એકસચેન્જોની શૃંખલા રચનારા અમારા સ્થાપક જિજ્ઞેશ શાહના વિઝનને અનુલક્ષીને ડિજિટલ ઈકોનોમી ક્ષેત્રે ક્રાંતિ સર્જવાના હેતુસર 63 મૂન્સે સાયબર સિક્યોરિટી ક્ષેત્રે પ્રવેશ કર્યો છે, એમાં જિજ્ઞેશ શાહ કોચ અને મેન્ટર તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. 

હાલના સમયમાં વ્યક્તિઓ હોય, કંપનીઓ હોય કે પછી રાષ્ટ્ર હોય, દરેકની સામે સાયબર એટેક્સનું જોખમ ઘણું જ વધારે અને ગંભીર સ્વરૂપનું છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને 63 મૂન્સે પોતાની ત્રણ અદભુત પ્રોડકટ્સ અને સર્વિસનો પ્રારંભ કર્યો છે. એમાં CYBX (દરેક મોબાઇલ હેન્ડસેટ માટે), 63 SATS (દરેક એન્ટરપ્રાઇઝ સર્વર માટે) અને CYBERDOME (દરેક શહેર, રાજ્ય અને દેશ માટે)નો સમાવેશ થાય છે. આ ત્રણેય વસ્તુઓને મળ્યું છે સેન્ટ્રલાઇઝડ સિક્યોરિટી ઓપરેશન્સ નર્વ સેન્ટર (એસઓસી)નું પીઠબળ અને વિકેન્દ્રિત ફ્રેન્ચાઇઝી નેટવર્કનો સહયોગ.

સાયબરસિક્યોરિટી માટેની કંપનીની આ પ્રોડકટ્સ અને સર્વિસીસનું સર્જન ઇઝરાયલથી લઈને અમેરિકા સુધીની વિશ્વની સાયબર સિક્યોરિટી ક્ષેત્રની 10 ઉત્તમ કંપનીઓના સહયોગથી કરવામાં આવ્યું છે. બ્લેકબેરી, રિસિક્યોરિટી, મોરફિસેક, વગેરે જેવી સાયબર સિક્યોરિટીની વિશ્વની અગ્રણી કંપનીઓનો આ કાર્યમાં સાથ મળ્યો છે.

ભારતીય સાયબર સિક્યોરિટી માર્કેટનું કદ વર્ષ 2029 સુધીમાં 1 લાખ કરોડ રૂપિયાનું થવાનો અંદાજ છે. આ જ રીતે વર્ષ 2030 સુધીમાં વૈશ્વિક સ્તરે આ માર્કેટ 42 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની થવાની ક્ષમતા ધરાવે છે. કંપની દેશમાં પથરાયેલું ફ્રેન્ચાઇઝી નેટવર્ક ઓફર કરી રહી છે. કંપનીએ 1 માર્ચ, 2024થી શરૂ કરીને દેશનાં 52 શહેરોમાં રોડ-શો રાખવાનું નક્કી કર્યું છે. એમાં ફ્રેન્ચાઇઝી નેટવર્ક ઊભું કરવાનું અને એના મારફતે પ્રોડકટ્સ અને સર્વિસીસ પૂરી પાડવાનું કંપનીનું લક્ષ્ય છે.