નવી દિલ્હીઃ દેશમાં ત્વરિત ચુકવણી પ્રણાલી UPI દ્વારા થતી લેવડદેવડની સંખ્યા વર્ષ 2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં વાર્ષિક આધારે 52 ટકા વધીને 78.97 અબજ થઈ છે, એમ વર્લ્ડલાઇને રિપોર્ટમાં કહ્યું છે.
જાન્યુઆરી, 2023માં UPI લેવડદેવડની સંખ્યા 8.03 અબજ હતી, જે જૂન 2024 સુધી વધીને 13.9 અબજ થઈ છે. જાન્યુઆરી, 2023માં રૂ. 12.98 લાખ કરોડની લેવડદેવડ UPI દ્વારા થઈ હતી, જે જૂન, 2024માં વધીને રૂ. 20.07 લાખ કરોડ થઈ છે. વર્ષ 2023માં પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં લેવડદેવડની સંખ્યા 51.9 અબજ હતી, જે આ વર્ષના સમાન ગાળામાં વધીને રૂ. 78.97 અબજ થી ગઈ છે. એ દરમ્યાન UPI લેવડદેવડનું મૂલ્ય 40 ટકા વધ્યું છે. એ રૂ. 83.16 લાખ કરોડથી વધીને રૂ. 116.63 લાખ કરોડ થયું હતું.
UPI લેવડદેવડની સંખ્યા અને મૂલ્ય- બંનેની દ્રષ્ટિએ ફોનપે અગ્રણી છે, જ્યારે ગૂગલ પે અને પેટીએમનું સ્થાન એના પછી આવે છે. જોકે આ વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં UPI લેવડદેવડના સરેરાશ મૂલ્યમાં આઠ ટકાનો ઘટાડો થયો હતો. સરેરાશ ટિકટ મૂલ્ય ગયા વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં રૂ. 1603 કરોડ હતું, જે ઘટીને આ વર્ષના અર્ધવાર્ષિક ગાળામાં રૂ. 1478 થયું હતું. સરેરાશ ટિકિટ કદમાં વ્યક્તિથી વ્યક્તિ અને વ્યક્તિથી દુકાનદાર લેવડદેવડ સામેલ હોય છે, એમ રિપોર્ટ કહે છે.
હાલમાં રિઝર્વ બેન્કે UPI લાઇટની સંખ્યા વધારીને રૂ. 1000 કરી હતી, જે પહેલાં રૂ. 500 હતી. એ સાથે UPI વોલેટની મર્યાદા વધારીને રૂ. 5000 કરવામાં આવી છે. આ પહેલાં એ મર્યાદા રૂ. 2000 હતી.