નવી દિલ્હીઃ આ વર્ષે દેશભરમાં ઉનાળાની સીઝનમાં સમયાંતરે આવતા માવઠાને કારણે કુલિંગ ઉત્પાદનોનું ઉત્પાદન કરતી કંપનીઓના વેચાણમાં 35થી 40 ટકાનો ઘટાડો થયો છે. માર્ચ, એપ્રિલ પછી પણ મેમાં પણ વરસાદ અને વાદળોને કારણે ગરમી સામાન્યથી ઓછી રહી છે. જેને પગલે મોટા ભાગના લોકોએ એસી, કૂલર, ફ્રિજ ખરીદવાની યોજના સ્થગિત કરી દીધી છે.
આ સાથે આઇસક્રીમ, કોલ્ડ ડ્રિન્ક, જેવાં ઉત્પાદનો પણ ઘટાડો થયો છે. ટેલ્કમ પાઉડર અને ઠંડા તેલ જેવાં ઉત્પાદનોનો પણ વપરાશ ઘટવાને લીધે વેચાણમાં ઘટાડો નોંધાયો છે. રિટેલ વેચાણ પર નજર રાખતી કંપનીના જણાવ્યાનુસાર ઠંડાં પીણાંના વેચાણમાં પણ 25 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. આઇસક્રીમના વેચાણમાં 38 ટકા, સાબુના વેચાણમાં આઠ ટકાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે એસીના વેચાણમાં સૌથી વધુ 40 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
સામાન્ય રીતે એસી, ફ્રિજ, કૂલર, કોલ્ડ ડ્રિન્ક્સ, ટેલ્કમ પાઉડર જેવાં ઉત્પાદનોના વેચાણ વાર્ષિક વેચાણના 50થી 60 ટકા થતા હોય છે. જેનો સમયગાળો પહેલી માર્ચથી 15 જૂનની વચ્ચે થાય છે. અનેક કૂલિંગ કંપનીઓએ આ વર્ષે ઉત્પાદનમાં 30 ટકા કાપ મૂકવાનો નિર્ણય કર્યો હતો. ઇમામીના વાઇસ ચેરમેન મોહન ગોયેન્કાએ જણાવ્યું હતું કે મોટા ભાગનાં સમર ઉત્પાદનોનાં વેચાણ નબળાં રહ્યાં છે.
ગોદરેજ એપ્લાયન્સિસના બિઝનેસ હેડ એન્ડ એક્ઝિક્યુટિવ VP કમલ નંદી કહે છે કે આ વર્ષે ઉનાળાની સીઝનમાં એસી અને ફ્રિજના વેચાણમાં 30થી 40 ટકાનો ઘટાડો નોંધાયો છે, એ ચિંતાની વાત છે.