નવી દિલ્હીઃ દેશમાં કોરોના રોગચાળા દરમ્યાન અનેક લોકોની નોકરીઓ જતી રહી હતી. ખાસ કરીને ટ્રાવેલ ઉદ્યોગમાં નોકરીઓમાં ભારે કાપ મૂકવામાં આવ્યો હતો. જોકે હવે એમાં સુધારો થઈ રહ્યો છે. જૂન, 2022થી ઓગસ્ટ, 2022ના ત્રિમાસિક ગાળામાં ટુર એન્ડ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં નોકરીઓમાં સારોએવો વધારો થયો છે. જે સારો સંકેત છે. ચાલુ નાણાકીય વર્ષમાં દેશમાં જૂન-ઓગસ્ટમાં ટ્રાવેલ ઉદ્યોગમાં નોકરીઓમાં 28 ટકાનો વધારો થયો છે, એમ રિપોર્ટ કહે છે. આ ક્ષેત્રે માસિક ધોરણે આઠ ટકાનો વધારો થયો છે.
દેશમાં કોરોના રોગચાળા દરમ્યાન પર્યટન ક્ષેત્રે છટણી અને પગારમાં કાપ જોવા મળ્યો હતો, એમ સીધી નિયુક્તિ મંચ હાયરેક્ટનો જોબ ઇન્ડેક્સ રિપોર્ટ કહે છે. રિપોર્ટ કહે છે કે કોરોના રોગચાળાની અસર ઓછી થતાં ઉદ્યોગ ધીમે-ધીમે પુનરુદ્ધારને રસ્તે છે. જૂન-ઓગસ્ટમાં નવી નોકરીઓમાં 16 ટકાનો વધારો જોવા મળ્યો હતો. અહેવાલમાં માલૂમ પડ્યું હતું કે ત્રણ વર્ષના અનુબવ સાથે ફ્રેશર્સ અથવા પ્રારંભિક પદો પર માગમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો.
દેશમાં ટ્રાવેલ ઉદ્યોગ રોગચાળાને કારણે ઊભા થયેલા પડકારો છતાં આ વર્ષે નિયુક્તિમાં મહત્ત્વની પ્રગતિ કરી છે. સરકારે અને પર્યટન મંત્રાલય ઉદ્યોગે પર્યટન ક્ષેત્રે સરાહનીય કામગીરી કરતાં પ્રવાસન ઉદ્યોગમાં રોજગારીમાં વધારો થવામાં મદદ મળી હતી.