કયાં છે મંદી? ધનતેરસના એક જ દિવસમાં 250 મર્સિડીઝ કારનું વેચાણ

નવી દિલ્હી: ધનતેરસનો દિવસ એટલે સોના-ચાંદીના ચળકાટનો દિવસ. પરંતુ આ વખતે અપેક્ષ મુજબ જ સોના-ચાંદીના માર્કેટમાં ધનતેરસનો દિવસ સાવ ફિક્કો રહ્યો છે. જ્યારે ઓટો સેક્ટરને આ દિવસે ચાંદી જ ચાંદી થઈ ગઈ છે. આ વાતનો અંદાજ મર્સિડીઝ બેન્ઝ જેવી પ્રીમિયર કારની ડિલિવરી પરથી જ લગાવી શકાય છે. મળતી માહિતી મુજબ ધનતેરસના શુભ દિવસે માત્ર દિલ્હી-એનસીઆરમાં જ મર્સિડીઝ બેન્ઝે 250 કારની ડિલિવરી કરી છે. આ વખતે ધનતેરસના દિવસે લોકોએ સોનું ચાંદી નહીં પણ કાર જેવી અન્ય લખ્ઝુરિયસ વસ્તુઓ પાછળ વધુ ખર્ચ કર્યો છે.

મર્સિડીઝ બેન્ઝ ઉપરાંત હ્યુન્ડાઇ, કિયા મોટર્સ, એમજી મોટર્સે પણ ધનતેરસના દિવસે 15 હજારથી વધારે ગાડીઓનું વેચાણ કર્યું છે. દેશની બીજી સૌથી મોટી કાર કંપની હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ જણાવ્યું છે કે, તેમણે શુક્રવારે 12,500 ગાડીઓની ડિલિવરી કરી હતી. ત્યાંજ કિયા મોટર્સે પોતાની નવી એસયુવી સેલ્ટોસની 2,184 ગાડીઓની ડિલિવરી કરી હતી. આવી જ રીતે એમજી મોટર ઇન્ડિયાએ જણાવ્યું છે કે, તેમણે તેમની એસયુવી હેક્ટરની 700 ગાડીઓની ડિલિવરી કરી હતી. દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ જણાવ્યું છે કે, ધનતેરસના દિવસે તેમનું વેચાણ સારું રહ્યું હતું.

સોના-ચાંદીનું માર્કેટ ડાઉન

જાણકારી મુજબ આ ધનતેરસના દિવસે સોનું-ચાંદી ખરીદવામાં લોકોએ એટલી ઉત્સુક્તા દર્શાવી નથી. સોના-ચાંદીના વેપારીઓ મુજબ આ વર્ષે તેમનું વેચાણ 20-50 ટકા સુધી ઘટી ગયું છે. આ અંગે પીસી જ્વેલર્સના ડિરેક્ટર રાહુલ ગુપ્તાએ કહ્યું કે, ‘એવું લાગી રહ્યું છે કે લોકો પૈસા ખર્ચવામાં ડરી રહ્યા છે. લોકો રુપિયાને સંભાળીને રાખવા માગે છે.’આવી જ વાત ઓલ ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલે કહી છે. તેમનો દાવો છે કે દેશભરમાં 30 હજાર જેટલા રીટેલર્સ તેમની સાથે જોડાયેલા છે.

બીજી તરફ મંદીનો માર સહ્નન કરી રહેલી ઓટો ઈન્ડસ્ટ્રીને હાલ થોડી રાહત મળી છે. હ્યુન્ડાઈના સેલ્સ એન્ડ માર્કેટિંગ હેડ વિકાસ જૈને કહ્યું કે, અત્યાર સુધી અમે દરરોજ 2 હજાર ગાડીઓની ડિલિવરી કરી રહ્યા છીએ. ધનતેરસના દિવસે અમે 12,500 ગાડીઓની ડિલિવરી કરી. ગત વર્ષે ધનતેરસની સરખામણીએ આ 25 ટકા વધારે છે.