ન્યુ યોર્કઃ અમેરિકાના શેરબજારમાં ગઈ કાલે ભારે ઘટાડો જોવા મળ્યો હતો. દેશમાં મેન્યુફેક્ચરિંગના ડેટા અપેક્ષાથી નીચા આવતાં દેશમાં ફરી મંદીની આશંકા ઊભી થઈ હતી. અમેરિકી ન્યાય વિભાગે એનવિડિયાને સમન્સ મોકલ્યું છે. કંપનીની વિરુદ્ધ એન્ટિટ્રસ્ટ પ્રેક્ટિસીઝની તપાસ આગળ વધારવામાં આવી રહી છે.
જેના લીધે અમેરિકી ચિપ મેન્યુફેક્ચરિંગ કંપની એનવિડિયાના શેરોમાં મંગળવારે 10 ટકાનો ઘટાડો આવ્યો હતો. જેથી અમેરિકી કંપનીની માર્કેટ વેલ્યુમાં અત્યાર સુધીનો એક દિવસમાં સૌથી મોટો ઘટાડો થયો હતો. એનાથી કંપનીના માર્કેટ કેપમાં 279 અબજ ડોલર (આશરે રૂ. 23 લાખ કરોડ)નું નુકસાન થયું છે. સ્ટોક માર્કેટ વેલ્યુમાં એનવિડિયાનું એક ટર્મનું નુકસાન ફેસબુકમા માલિક મેટા પ્લેટફોર્મ્સ (મેટા)ના 232 અબજ ડોલરના ઘટાડાથી વધુ હતું. એને લીધે રોકાણકારો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીને લઈને વધુ સાવચેતી વર્તી રહ્યા છે. આ સાથે શેરબજારમાં આવેલા ઘટાડાને કારણે રોકાણકારોના એક લાખ કરોડ ડોલર સ્વાહા થયા હતા.
AIએ આ વર્ષે શેરબજારમાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો હતો, પણ હવે AIને કારણે સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. PHLX ચિપ ઇન્ડેક્સમાં 7.75 ટકાનો ઘટાડો આવ્યો છે, જે 2020 પછી એનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો છે.
એનવિડિયાએ ગયા બુધવારે AI વિશે ત્રિમાસિક અંદાજિત પરિણામો જારી કર્યા હતાં, જેનાથી રોકાણકારોની વચ્ચે નવી આશા જાગી હતી, પણ હવે AIને કારણે ઘટતા બજારે રોકાણકારોમાં ખળભળાટ મચાવી દીધો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે 12 મહિનામાં ટેક્નોલોજી અને સેમીકંડક્ટર્સમાં એટલું મૂડીરોકણ કરવામાં આવ્યું હતું કે બજારમાં ઊથલપાથલ મચી ગઈ છે.