એટીએમમાં પૈસાની અછતઃ આખરે શા માટે એટીએમમાંથી નાણાં નથી નીકળતાં?

નવી દિલ્હીઃ નોટબંધીના દોઢ વર્ષ બાદ એકસાથે ઘણાં રાજ્યોમાં ખાલી પડેલા એટીએમ નોટબંધીના દિવસોની યાદ અપાવી રહ્યાં છે. દેશના ઘણા ભાગો જેવા કે આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, બિહાર, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પૈસાની કમી સામે લોકો ઝઝૂમી રહ્યાં છે. જો કે સરકાર અને રીઝર્વ બેંક ડેમેજ કંટ્રોલ મોડમાં આવ્યાં છે અને કેશની પર્યાપ્ત ઉપ્લબ્ધતાનો દાવો કરી રહ્યાં છે.

લોકો અત્યારે જે પૈસાની ખોટ પડી રહી છે તેનુ કારણ જાણવા માંગે છે અને સરકારનું કહેવું છે કે નોટોની માગમાં અનઅપેક્ષિત વૃદ્ધિથી સમસ્યા આવી છે. તો કેટલાક બેંકના અધિકારીઓનું કહેવું છે કે 2000ની નોટ બેંકોમાં પાછી નથી આવી રહી. એ પણ અફવા છે કે કર્ણાટક ચૂંટણીમાં કેશ હોર્ડિંગની સમસ્યા ઉભી થઈ છે.

જો કે એ વાતની પણ શંકાને બળ મળી રહ્યું છે કે ક્યાંક બ્લેક મની હોર્ડિંગ માટે તો આનો ઉપયોગ નથી થઈ રહ્યો ને? દેશની સૌથી મોટી કરંસી હોવાથી અને તે નાની સાઈઝની હોવાથી પણ 2000ની નોટોને લઈને આશંકા ઉભી થઈ રહી છે. તો બીજી બાજુ કોંગ્રેસે દોઢ વર્ષમાં જ ઉભા થયેલા બીજા નાણાકીય સંકટને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ બેંકિંગ ફ્રોડનો ઉલ્લેખ કરતા આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન મોદીએ આપણા ખીસ્સામાંથી પૈસા કાઢીને નીરવ મોદીના ખીસ્સામાં નાંખી દીધા છે.