ઓક્ટોબરમાં GST કલેક્શનમાં 13 ટકાનો વધારોઃ બીજું હાઇએસ્ટ કલેક્શન

નવી દિલ્હીઃ અર્થતંત્રમાં જારી મજબૂતીની અસર સરકારની કમાણી પર પણ જોવા મળી છે. તહેવારોની સીઝનમાં ઓક્ટોબરમાં GST કલેક્શન અત્યાર સુધીનું સૌથી ઊંચું મન્થલી કલેક્શન સાબિત થયું છે. નાણાં મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઓકેટોબરમાં GST દ્વારા સરકારી ખજાનામાં રૂ. 1.72 લાખ કરોડ જમા થયા છે. એપ્રિલ, 2023 પછી આ GSTનું બીજું સૌથી ઊંચું કલેક્શન છે. એપ્રિલમાં સરકારી ખજાનામાં GST કલેક્શન રૂ. 1.87 લાખ કરોડ જમા થયું હતું.

નાણાકીય વર્ષ 2023-24માં સરેરાશ ગ્રોસ માસિક GST કલેક્શન હવે રૂ. 1.66 લાખ કરોડ છે, જે એક વર્ષના પહેલાંના સમયગાળાની તુલનાએ 11 ટકા વધુ છે.

ઓક્ટોબર, 2023માં ગ્રોસ GST કલેક્શન રૂ. 1.72 લાખ કરોડ છે, જેમાં રૂ. 30,062 કરોડ કેન્દ્રીય ગુડુસ અને સર્વિસ ટેક્સ (CGST), રૂ. 38,171 કરોડ SGST, આ સિવાય રૂ. 91.315 કરોડ IGST  (જેમાં રૂ. 42,127 કરોડ માલના ઇમ્પોર્ટ પરના) અને રૂ. 12,456 કરોડ (માલના આયાત પરના અને સેસના પણ સામેલ છે.

નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2024ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં GST કલેક્શનમાં 11 ટકાનો વધારો નોંધાયો હતો. એક વર્ષ પહેલાંના સમાનગાળાની તુલનામાં GST કલેક્શન 11 ટકા વધીને રૂ. 9.92 લાખ કરોડ થયું હતું.

સપ્ટેમ્બરમાં GST કલેક્શન રૂ. 1.62 લાખ કરોડ રહ્યું હતું, જે નાણાકીય વર્ષ 23ના સપ્ટેમ્બરમાં રૂ. 1.47 લાખ કરોડની તુલનામાં 10.2 ટકા વધુ હતું.