મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે ફરી તેજીતરફી ચાલ જોવા મળી હતી. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.85 ટકા (1,329 પોઇન્ટ) વધીને 48,033 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 46,704 ખૂલીને 48,433ની ઉપલી અને 46,691 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ કોઇન વધ્યા હતા, જેમાં સોલાના 9.40 ટકા વૃદ્ધિ સાથે મોખરે હતો. અવાલાંશ, ચેઇનલિંક, ડોઝકોઇન અને પોલકાડોટમાં 3થી 7 ટકાની રેન્જમાં વૃદ્ધિ થઈ હતી.
દરમિયાન, એક નોંધનીય ઘટનામાં ભારતીય રિઝર્વ બેન્કે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી)ની મદદથી સરહદ પારનાં પેમેન્ટ ઝડપથી અને ઓછા ખર્ચે કરવા સંબંધે અમેરિકન ફેડરલ રિઝર્વ, હોંગકોંગ મોનેટરી ઓથોરિટી અને સ્વિફ્ટ સાથે ચર્ચા કરી હતી. બીજી બાજુ, સ્પેનની કરવેરા સંબંધિત ઓથોરિટીએ સ્પેનની બહારનાં ક્રીપ્ટોકરન્સી પ્લેટફોર્મ પર સ્પેનિશ નાગરિકો દ્વારા રખાયેલી ક્રીપ્ટો એસેટ્સની જાહેરાત કરવા માટે આગામી 31મી માર્ચ સુધીની મુદત આપી છે.
અમેરિકન સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને ફ્રેન્કલિન ટેમ્પલ્ટન અને હેશડેક્સ સ્પોટ બિટકોઇન ઈટીએફ માટે આવેલી અરજીઓ સંબંધે જનતા પાસેથી અભિપ્રાય માગ્યો છે. આ અરજીઓનો અસ્વીકાર કરવો કે સ્વીકાર કરવો એના વિશે મત માગવામાં આવ્યો છે.