મજૂરોથી ભરેલી બસ હાઇટેન્શન તારની ચપેટમાં: બેનાં મોત

જયપુરઃ મનોહરપુર સ્ટેશન વિસ્તારના ટોડી ગામે મજૂરોને લઈ જતી એક બસ હાઈટેન્શન લાઇનના સંપર્કમાં આવી જતાં કરંટની ઝપેટમાં આવી ગઈ. આ અકસ્માતમાં બે મજૂરોનું ઘટનાસ્થળે જ મોત થયાં છે, જ્યારે અંદાજે 12 જેટલા મજૂરો દાઝી ગયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ મજૂરોને લઈને બસ ઉત્તર પ્રદેશથી મનોહરપુરના ટોડી સ્થિત ઈંટભઠ્ઠી તરફ આવી રહી હતી. રસ્તામાં બસ ઉપરથી પસાર થતી 11,000 વોલ્ટની લાઇનના સંપર્કમાં આવી ગઈ, જેને કારણે બસમાં કરંટ ફેલાયો અને સ્પાર્કિંગથી આગ લાગી ગઈ. આ ઘટનાની સાથે જ બસમાં બૂમાબૂમ મચી ગઈ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પાંચ મજૂરોને જયપુર મોકલાયા

પ્રાપ્ત માહિતી મળતાં જ મનોહરપુર પોલીસ અને વહીવટી અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા અને ઘાયલ મજૂરોને શાહપુરા ઉપજિલ્લા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. ગંભીર રીતે કરંટથી દાઝેલા પાંચ મજૂરોને પ્રાથમિક સારવાર બાદ જયપુર મોકલવામાં આવ્યા છે. ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને ઘટના અંગે તપાસ શરૂ કરી છે.

મંગળવારે જયપુર ગ્રામ્ય જિલ્લાના શાહપુરા વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી. જ્યાં મજૂરોને લઈ જતી બસ હાઈટેન્શન લાઇનની ઝપેટમાં આવી ગઈ. જેને કારણે બસમાં મજૂરોને કરંટ લાગ્યો હતો અને આગ લાગી ગઈ હતી. આ ઘટનાનો વિડિયો પણ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે બસ સંપૂર્ણપણે આગની ઝપેટમાં આવી  ગઈ છે. આગમાં બસ આખી બળી ખાખ થઈ ગઈ છે. આ ઘટના બાદ સ્થાનિક વહીવટી તંત્ર સ્થળ પર પહોંચ્યું અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

જૈસલમેરમાં 26 લોકોનાં મોત થયાં હતાં

આ પહેલાં 14 ઑક્ટોબરે જૈસલમેરમાં ચાલતી બસમાં આગ લાગી હતી. આગ એસી સિસ્ટમમાં શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. આ ભયાનક બસ દુર્ઘટનામાં 26 લોકોનાં મોત થયાં હતાં. જૈસલમેરથી જોધપુર જતી ખાનગી બસમાં નીકળ્યા બાદ માત્ર દસ મિનિટમાં જ આગ લાગી ગઈ હતી.