તૌકીર રાજા, તેના સહયોગીઓની મિલકત પર ચલાવાયું બુલડોઝર

બરેલીઃ બરેલીમાં થયેલી હિંસાના બાદ વહીવટી તંત્રે આરોપીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. મૌલાના તૌકીર રાજા અને તેમના સાથીદારો સામે બુલડોઝર એક્શન ચાલુ છે. નગર નિગમે ગેરકાયદે બનેલા એક ચાર્જિંગ સ્ટેશનને તોડી પાડ્યું, જે કાઉન્સિલર ઓમન રાજાને નામે હતું અને મ્યુનિસિપાલિટીની જમીન પર ગેરકાયદે રીતે બનાવવામાં આવ્યું હતું. આ ચાર્જિંગ સ્ટેશન પર અનેક ઈ-રિક્શા ઊભી હતી. આ કાર્યવાહી દરમિયાન ભારે પોલીસ દળ, RRFની ટીમ અને ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર તૈનાત હતી. એ સાથે-સાથે ડ્રોનથી નજર પણ રાખવામાં આવી રહી હતી.

પ્રશાસને મૌલાના અને તેમના ખાસ મદદગાર નદીમ ખાનને પહેલાથી જ ધરપકડ કરી લીધી છે. તેમના “હમસફર પેલેસ” રિસોર્ટ પર બેરેલી વિકાસ પ્રાધિકરણ દ્વારા સીલિંગ નોટિસ જારી કરવામાં આવી છે, કારણ કે તેને ગેરકાયદે સંપત્તિ જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત તૌકીર રાજાના માર્કેટને પણ પ્રશાસન દ્વારા સીલ કરી દેવામાં આવ્યું છે.તેમના નજીકના મોહસિન રાજાના ઘરે પણ બુલડોઝર પહોંચ્યું હતું, પરંતુ ત્યાં તરત કોઈ કાર્યવાહી થઈ નથી. મોહસિને પોતાને તૌકીર રાજાથી અલગ બતાવતાં કહ્યું હતું કે તેમનો આ મામલામાં કોઈ સંબંધ નથી. જોકે મોહસિનના ઘરની સામે  બનાવાયેલી બાઉન્ડ્રી વોલ અને ગેરકાયદે ચાર્જિંગ સ્ટેશનને નગર નિગમે બુલડોઝરથી તોડી નાખ્યું છે.

62 લોકોની ધરપકડ

પોલીસે અત્યાર સુધી બરેલી હિંસા સંદર્ભે 62 લોકોને ધરપકડ કરી છે, જેમાં માસ્ટર માઈન્ડ ગણાતા તૌકીર રાજા, ડો. નફીસ અને નદીમનો પણ સમાવેશ થાય છે. પોલીસે તેમની નજીકના લોકોની કરોડો રૂપિયાની મિલકત પણ જપ્ત કરી લીધી છે. પ્રશાસન હવે તૌકીર રાજાની ગેરકાયદે સંપત્તિ પર પણ કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.

આ કાર્યવાહી એનો સંકેત આપે છે કે પ્રશાસને બેરેલીમાં શાંતિ વ્યવસ્થા જાળવવા માટે કડક વલણ અપનાવ્યું છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે જરૂરી તમામ પગલાં લેશે.