નવી દિલ્હી: છેલ્લા 8 દિવસમાં અત્યાર સુધીમાં 120થી વધુ વિમાનોને બોમ્બ હુમલાની ધમકી મળી ચૂકી છે. દેશભરની એરલાઈન્સ કંપનીઓના વિમાનોમાં બોમ્બ હોવાની ધમકીઓ મળવાનો સિલસિલો યથાવત છે. ફરી એક વખત ભારતીય વિમાનોને બોમ્બની ધમકી મળી છે. સોમવારે રાત્રે ઈન્ડિગો, વિસ્તારા અને એર ઈન્ડિયાની 30 ફ્લાઈટને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી ક્યાંક મુસાફરોને ઉતારવા પડ્યા તો ક્યાંક ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી. આ મામલા સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે, જેને બોમ્બની ધમકી મળી છે તેમાં ઈન્ડિગો, વિસ્તારા અને એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ સામેલ છે.
વિસ્તારાના પ્રવક્તાએ જણાવ્યું કે, અમે પુષ્ટિ કરીએ છીએ કે, 21 ઓક્ટોબર 2024ના રોજ ઓપરેટ થનારી વિસ્તારાની કેટલીક ફ્લાઈટ્સને સોશિયલ મીડિયા પર સુરક્ષા સબંધિત ધમકીઓ મળી છે. અમે તરત જ સંબંધિત અધિકારીઓને એલર્ટ કરી દીધા છે અને તેમના દ્વારા સૂચવવામાં આવેલી તમામ સલામતી પ્રક્રિયાઓનું પાલન કરી રહ્યા છીએ. વિસ્તારામાં અમારા પેસેન્જર્સ, ક્રૂ અને એરક્રાફ્ટની સલામતી સર્વોચ્ચ મહત્વની છે.