જેકી શ્રોફની કાનુની કાર્યવાહી,ભીડૂ બોલશો તો આપવો પડશે 2 કરોડનો દંડ

મુંબઈ: બૉલિવૂડના પીઢ અભિનેતા અને બધાના પ્રિય જેકી શ્રોફને ‘ભીડુ’ બોલતા તમે સાંભળ્યા જ હશે. આ શબ્દનો ઉપયોગ તે ફિલ્મી પડદા પરથી તેમજ સામાન્ય જીવનમાં પણ કરે છે. શક્ય છે કે તમે પણ તેમનાથી પ્રેરિત થઈને આ શબ્દ વાપરવાનું શરૂ કર્યું હોય. પરંતુ હવે આમ કરવાથી તમે કાનૂની મુશ્કેલીમાં મુકાઈ શકો છો. અભિનેતાએ ‘વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોની સુરક્ષા’ હેઠળ ‘ભીડુ’ શબ્દના ઉપયોગ પર દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે અને ઘણી સંસ્થાઓ સામે કેસ દાખલ કર્યો છે.

જેકી દાએ મંગળવારે તેમની સંમતિ વિના તેમના નામ, ફોટોગ્રાફ્સ, અવાજ અને ‘ભીડુ’ શબ્દનો કથિત ‘અનધિકૃત’ ઉપયોગ કરવા બદલ અનેક સંસ્થાઓ સામે હાઈકોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. તેમજ માંગ કરી હતી કે તેમના નામ, ફોટોગ્રાફ્સ, અવાજ અને ‘ભીડુ’ શબ્દનો કથિત ‘અનધિકૃત’ ઉપયોગ કરવા બદલ 2 કરોડનો દંડ ફટકારવામાં આવે.’લાઇવ એન્ડ લો’ અનુસાર જેકી શ્રોફની અરજી પર બુધવારે કોર્ટમાં સુનાવણી થશે. કોર્ટ સમક્ષ દાખલ કરાયેલ આ કેસ આજના ડિજિટલ યુગમાં ‘સેલિબ્રિટી રાઇટ્સ’ના સંદર્ભમાં મહત્વપૂર્ણ છે.

ભીડુનો અર્થ શું છે?

જેકી શ્રોફે આ કેસ એવા સમયે દાખલ કર્યો છે જ્યારે અગાઉ અનિલ કપૂર અને અમિતાભ બચ્ચન જેવા કલાકારોએ પણ ‘વ્યક્તિત્વ અધિકારો’ના રક્ષણ માટે કાનૂની માર્ગ અપનાવ્યો હતો. અહીં નોંધવું રહ્યું કે ‘ભીડુ’ એક મરાઠી શબ્દ છે, જેનો ગુજરાતી અર્થ થાય છે જોડીદાર અથવા સાથીદાર.

અનિલ કપૂરે ‘ઝકાસ’ના ઉપયોગ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી

ગત સપ્ટેમ્બરમાં દિલ્હી હાઈકોર્ટે અનિલ કપૂરના વ્યક્તિત્વના અધિકારોનું રક્ષણ કરતો વચગાળાનો આદેશ પસાર કર્યો હતો. આમાં વિવિધ સંસ્થાઓને તેમની સંમતિ વિના વ્યાપારી હેતુઓ માટે તેમના ચિત્ર, નામ, અવાજ અથવા તેમના વ્યક્તિત્વ સાથે જોડાયેલા ‘ઝકાસ શબ્દનો દુરુપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

હાઈકોર્ટે અનિલ કપૂરના કેસમાં 44 લિંક્સને બ્લોક કરી દીધી હતી

અનિલ કપૂરે કોર્ટને તેમની સંમતિ વિના તેમના ફોટા, તેમના નામ, તેમનું નામ AK, અથવા તેમના ફિલ્મી પાત્રો જેમ કે લખન, મિસ્ટર ઈન્ડિયા, મજનુભાઈ, નાયક અને ‘ઝકાસ’નો ઉપયોગ રોકવા માટે કહ્યું હતું. તેમજ તેમણેએઆઈ, ડીપફેક્સ, કોમ્પ્યુટર જનરેટેડ ગ્રાફિક્સ (સીજીઆઈ) વગેરે સહિત કોઈપણ ટેકનોલોજીના ઉપયોગથી રક્ષણની પણ માંગ કરી હતી. ત્યારબાદ અભિનેતાની કાનૂની ટીમે આવી 44 લિંક્સ કોર્ટમાં રજૂ કરી હતી, જેને કોર્ટે બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો.

અમિતાભ બચ્ચને પણ પોતાના અવાજના ઉપયોગ પર કાર્યવાહી કરી હતી

આ પહેલા અમિતાભ બચ્ચને પણ આવી જ અરજી કરી હતી. આમાં એક જ્વેલરી કંપનીને પબ્લિસિટી માટે તેના ‘સેલિબ્રિટી સ્ટેટસ’નો ઉપયોગ બંધ કરવાનું કહેવામાં આવ્યું હતું. કંપનીએ પ્રમોશનમાં અમિતાભ બચ્ચન જેવા અવાજનો ઉપયોગ કર્યો હતો.