ઇન્ડોનેશિયાના બાલીમાં નૌકા ડૂબીઃ ચારનાં મોત, 38 લાપતા

બાલીઃ ઇન્ડોનેશિયાના બાલી ટાપુ નજીક 65 લોકોને લઈને જતી નૌકા ડૂબી જવાથી ચાર લોકોનાં મોત થયાં છે, જ્યારે 38 લોકો હજુ લાપતા છે અને 23 લોકોનો બચાવ થયો છે. બચાવ દળના અધિકારીઓએ જણાવ્યું છે કે રેસ્ક્યૂ કામગીરી હજુ પણ ચાલુ છે.

નૌકામાં કુલ 53 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર હતા
જાવા સ્થિત એજન્સીએ જણાવ્યું હતું કે નૌકામાં કુલ 53 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર હતા. સુરાબાયા સર્ચ એન્ડ રેસ્ક્યૂ એજન્સીએ નિવેદનમાં જણાવ્યું હતું કે આ નૌકા બુધવારે રાત્રે લગભગ 11:20 વાગ્યે બાલીના જળમાર્ગમાં ડૂબી ગઈ હતી, જયારે તે ઇન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવામાંથી પર્યટકો માટે પ્રસિદ્ધ સ્થળ તરફ જઈ રહી હતી.

એજન્સીએ વધુમાં જણાવ્યું હતું કે નૌકામાં 14 ટ્રક સહિત કુલ 22 વાહનો પણ હતાં. 17,000 ટાપુઓ ધરાવતા ઇન્ડોનેશિયામાં દરિયાઈ દુર્ઘટનાઓ સામાન્ય ઘટના છે, જેમાં મુખ્ય કારણ સુરક્ષા ધોરણોમાં છીંડાં છે. હાલમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને મૃતકોની સંખ્યા વધી શકે છે. પોલીસે જણાવ્યું છે.

20 લોકોનો બચાવ થયો
બન્યુવાંગીના પોલીસ વડા રામા સમતમા પુત્રાએ જણાવ્યું કે બે મૃતદેહ મળી આવ્યા છે અને 20 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઘણા લોકોને કલાકો સુધી ઊંડા પાણીમાં વહેતા રહેવાને કારણે બેહોશી આવી ગઈ હતી. બે ટગ બોટ અને બે ઇન્ફ્લેટેબલ બોટ સહિત કુલ નવ નૌકાઓ લાપતા લોકોની શોધખોળમાં લાગી છે. બચાવ ટીમે જણાવ્યું હતું કે રાતના અંધકારમાં અને બે મીટર ઊંચી લહેરો હોવાને કારણે બચાવ કાર્યમાં ભારે મુશ્કેલી આવી રહી છે.