પંજાબમાં ભાજપ અને અકાલી દળ ફરી સાથે?: સફળ થશે આ ફોર્મ્યુલા

ચંડીગઢ:પંજાબમાં ભાજપ અને શિરોમણિ અકાલી દળ વચ્ચે સાથે મળીને ચૂંટણી લડવા અંગે લગભગ સહમતી બની ગઈ છે. સૂત્રોના જણાવ્યાનુસાર બંને પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી અંગેની ચર્ચા અંતિમ તબક્કામાં છે અને આ અંગે ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. ભાજપ રાજ્યની કુલ 117 વિધાનસભા બેઠકોમાંથી 35થી 45 બેઠકો પર ચૂંટણી લડી શકે છે. બાકીની બેઠકો પર અકાલી દળ અને કેટલાક અન્ય નાના પક્ષો ચૂંટણી લડશે.

અકાલી દળનાં સૂત્રોના જણાવ્યાનુસાર બંને પક્ષોએ અલગ-અલગ ચૂંટણી લડીને જોઈ લીધું છે. હવે એ નક્કી થઈ ગયું છે કે અલગ-અલગ ચૂંટણી લડવાથી બંને પક્ષોને નુકસાન થાય છે. તેથી બંને પક્ષો ફરી એક વાર સાથે આવી શકે છે. પક્ષના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે આ સમજૂતીની જાહેરાત કરવામાં વધુ વિલંબ થવો જોઈએ નહીં. તેમના જણાવ્યાનુસાર જાહેરાતમાં જેટલો વધુ વિલંબ થશે, તેટલો જ ગઠબંધનને જમીની સ્તરે મજબૂત બનાવવામાં પડકારોનો સામનો કરવો પડશે. અકાલી દળના નેતાઓ એમ પણ કહે છે કે ભાજપને એ જ બેઠકો પર પ્રાથમિકતા આપવામાં આવશે, જ્યાં તેની સ્થિતિ મજબૂત છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ 45 બેઠકો પર અકાલી દળ કરતાં આગળ રહ્યું હતું.

સૂત્રોના જણાવ્યાનુસાર ગઠબંધનમાં અકાલી દળની ભૂમિકા મોટા ભાઈની રહેશે એ નક્કી માનવામાં આવે છે. જો ગઠબંધન ચૂંટણી જીતે છે તો મુખ્ય મંત્રી પદ પર પણ અકાલી દળનો મજબૂત દાવો રહેશે. અકાલી દળ પોતાના પક્ષથી અલગ થયેલાં જૂથોને ફરી સાથે લાવવાના પ્રયાસોમાં પણ વ્યસ્ત છે. નારાજગીને કારણે પક્ષ છોડી ચૂકેલા જૂના નેતાઓને પાછા લાવવા અંગે ચર્ચા ચાલી રહી છે.

તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એવું કહીને ગઠબંધનની શક્યતાઓ વધારી દીધી છે કે પંજાબમાં એનડીએની સરકાર બનશે. અત્યાર સુધી ભાજપના નેતાઓ રાજ્યમાં ભાજપની સરકાર બનવાનો દાવો કરતા આવ્યા હતા.  સૂત્રોના જણાવ્યાનુસાર ભાજપના આંતરિક સર્વેમાં સામે આવ્યું છે કે ભાજપ અને અકાલી દળ સાથે મળીને ચૂંટણી લડે તો રાજ્યની 117માંથી 80થી વધુ બેઠકો જીતી શકે છે.