બિપરજોય: છેલ્લા 24 કલાકમાં 62 તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો

અરબી સમુદ્રમાં સક્રિય શક્તિશાળી બિપરજોય વાવાઝોડુ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ તેની અસર વધું તીવ્ર બનતી જાય છે. ગઈ કાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો.જેના કારણે અનેક જિલ્લામાંથી નુકસાનીના અહેવાલો પણ સામે આવ્યા છે.


બિપરજોય વાવાઝોડાને પગલે ગઈકાલે બપોર પછી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. બિપરજોય વાવાઝોડું દરિયા કિનારે ટકરાય એ પહેલા જ આફતના સંકેત આપવા લાગ્યુ છે. વાવાઝોડું જેમ કચ્છ નજીક પહોંચી રહ્યુ છે તેમ તેમ દરિયો રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યુ છે. સૌરાષ્ટ્રના દરિયામાં ભારે પવનને કારણે 30 ફૂટ સુધીના ઉંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. તો વળી કેટલીક જગ્યાએ વૃક્ષો અને કાચા મકાનો ધરાશાયી થવાના અહેવાલો પણ સામે આવ્યા છે.


છેલ્લા 24 કલાકમાં 62 તાલુકાઓમાં વરસાદ પડ્યો
વાવાઝોડાની તિવ્ર અસરના કારણે ગઈ કાલે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગના ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યના 12 જિલ્લાના 62 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે ગીર સોમનાથના સુત્રાપાડ વરસાદ પડ્યો છે. સુત્રાપાડમાં 24 કલાકમાં 8.5 ઈચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગીર સોમનાથના વેરાવળમાં 8.5 ઈચ જેટલો વરસાદ પડ્યો છે. અને જૂનાગઢના મેંદરડામાં 7.5 ઈચ વરસાદ, માળીયા હાટીનામાં 7 ઈચથી વધુ વરસાદ, કેશોદમાં 6.5 ઈચથી વધુ વરસાદ પડ્યો છે.