PM, CMને દૂર કરવાનું બિલ સંસદમાં રજૂઃ વિપક્ષનો આકરો વિરોધ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલાં ત્રણ બિલ પર ભારે રાજકીય સંગ્રામ છેડાયો છે. આ બિલો હેઠળ જો કોઈ પ્રધાન મંત્રી, કેન્દ્રીય મંત્રી, મુખ્ય મંત્રી અથવા રાજ્ય મંત્રી ગંભીર ફોજદારી આરોપોમાં સતત 30 દિવસ સુધી જેલમાં રહે, તો તેને પદ પરથી દૂર કરવામાં આવશે. વિરોધ પક્ષે જાહેરાત કરી છે કે કોઈ પણ કિંમતે આ બિલ પસાર થવા નહીં દે.

પ્રસ્તાવિત કાયદા – કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર (સંશોધન) બિલ 2025, બંધારણ (130મું સંશોધન) બિલ 2025 અને જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સંશોધન) બિલ 2025 – કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રજૂ કરવામાં આવ્યાં હતાં. અમિત શાહ આ બિલોને સંયુક્ત સંસદીય સમિતિને મોકલવા માટે પણ પ્રસ્તાવ મૂકશે. વિરોધ પક્ષે આ બિલનો આકરો વિરોધ વ્યક્ત કરતાં કહ્યું છે કે કેન્દ્ર સરકાર બિન-ભાજપ સરકારોને અસ્થિર કરવા માટે કાયદો લાવી રહી છે. તેના માધ્યમે તે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા મુખ્ય મંત્રીની ધરપકડ કરાવશે અને મનફાવે તેમ ધરપકડ બાદ તરત જ તેમને પદ પરથી દૂર કરશે. 

વિવાદાસ્પદ બિલો કયાં છે?

ભ્રષ્ટાચારવિરોધી ત્રણ મોટા કાયદાના ડ્રાફ્ટ અનુસાર કોઈ પણ વડા પ્રધાન, મુખ્ય મંત્રી કે મંત્રી, જે પાંચ વર્ષ અથવા તેથી વધુ સજા યોગ્ય આરોપમાં સતત 30 દિવસ સુધી ધરપકડ અથવા હિરાસતમાં રહેશે, તેને 31મા દિવસે આપોઆપ પદ પરથી હટાવી દેવામાં આવશે. સરકારનું આ પગલું તે વિવાદોની પૃષ્ઠભૂમિમાં આવ્યું છે, જ્યારે દિલ્હીના પૂર્વ CM અરવિંદ કેજરીવાલ અને તામિલનાડુના મંત્રી વી. સેન્થિલ બાલાજી જેવા નેતાઓ જેલમાં હોવા છતાં પદ પર રહ્યા હતા.

વિરોધ પક્ષનો વિરોધ

લોકસભામાં બિલો ચર્ચા માટે સૂચિબદ્ધ થતાં જ કોંગ્રેસે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર કર્યો અને કહ્યું છે કે ભાજપ ચૂંટણીમાં વિરોધી મુખ્ય મંત્રીઓને હરાવી શકતી નથી એટલે તેમને હટાવવા માટે આવો કાયદો લાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત TMC, AAP જેવી પાર્ટીઓએ પણ આ બિલને લઈને સરકાર પર હુમલો કર્યો છે.