ફ્લિપકાર્ટ, એમેઝોન પર મોટો આરોપ, કેન્દ્ર સરકાર કરશે તપાસ

નવી દિલ્હીઃ દેશમાં ઓનલાઇન શોપિંગનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે અને ફ્લિપકાર્ટ તેમ જ એમેઝોન જેવા મોટા ઈકોમર્સ પ્લેટફોર્મ લાખો વેપારીઓને તેમની પ્રોડક્ટ્સ વેચવાની તક આપે છે, પરંતુ તાજેતરમાં આ બંને કંપનીઓ પર મોટો આરોપ લાગ્યો છે કે તેઓ વેપારીઓ પાસેથી તેમની આખી વેચાણની રકમ, એટલે કે 100 ટકા પ્લેટફોર્મ ફી વસૂલ કરી રહી છે. તેનો અર્થ એ થયો કે વેપારીઓ નફો પૂરો કંપનીને આપી રહ્યા છે, જેને કારણે તેમને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ પરિસ્થિતિમાં કેન્દ્ર સરકારે આ મામલે ઝડપથી તપાસ શરૂ કરી છે અને કંપનીઓ પાસેથી જવાબ પણ માગ્યો છે.

પ્લેટફોર્મ ફી શું છે

ઈ-કોમર્સ કંપનીઓ જેમ કે ફ્લિપકાર્ટ અને એમેઝોન વેપારીઓને પોતાનો માલ વેચવા માટે ઓનલાઇન પ્લેટફોર્મ આપે છે. તેના બદલામાં તેઓ વેચાણના નક્કી કરાયેલા હિસ્સા પ્રમાણે ફી વસૂલ કરે છે, જેને પ્લેટફોર્મ ફી કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ ફી 5 ટકા થી 20 ટકા સુધી હોય છે. પરંતુ આક્ષેપો છે કે ફ્લિપકાર્ટ અને એમેઝોન વેપારીઓ પાસેથી તેમની સંપૂર્ણ વેચાણ રકમ એટલે કે 100 ટકા ફી વસૂલ કરી રહી છે.

આક્ષેપો અને વેપારીઓની મુશ્કેલી

ઘણા નાના અને મધ્યમ વેપારીઓએ સરકારને ફરિયાદ કરી છે કે ફ્લિપકાર્ટ અને એમેઝોન તેમની સંપૂર્ણ વેચાણ રકમ પ્લેટફોર્મ ફીને નામે લઈ લે છે. તેના કારણે વેપારીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે અને તેઓ પોતાનો વેપાર ચાલુ રાખવામાં અસમર્થ બની રહ્યા છે. ફ્લિપકાર્ટે ગ્રાહકો પાસેથી ‘ઓફર હેન્ડલિંગ ફી’, ‘પેમેન્ટ હેન્ડલિંગ ફી’ અને ‘પ્રોટેક્ટ પ્રોમિસ ફી’ જેવા ચાર્જ લીધા છે. આ ઉપરાંત, ઝોમેટો, સ્વિગી અને ઝેપ્ટો જેવી સેવાઓ પણ વરસાદને કારણે ‘રેન ફી’ સહિતના વધારાના ચાર્જ લઈ રહી છે, જેને કારણે ઓનલાઇન ખરીદી મોંઘી બની રહી છે અને ગ્રાહકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.