ગાંધીનગર: ભૂપેન્દ્ર પટેલનો મુખ્યમંત્રી તરીકે ત્રણ વર્ષનો કાર્યકાળ શુક્રવારે પૂર્ણ થયો છે. 13મી સપ્ટેમ્બર, 2021ના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ ત્રણ વર્ષોમાં તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં G20 સમિટ્સ તેમજ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 10મા સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલના શાસનકાળ દરમિયાન જ ગુજરાત દેશનું સેમિકન્ડક્ટર હબ અને રિન્યુએબલ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. મુખ્યમંત્રી તરીકેના છેલ્લા ત્રણ વર્ષના તેમના શાસનકાળ દરમિયાન 11 જેટલી પોલિસી લૉન્ચ કરવામાં આવી છે.જેમાં ‘ગુજરાત આત્મનિર્ભર પોલિસી’ અંતર્ગત ઉદ્યોગોને આત્મનિર્ભર બનાવવા માટે ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ જાહેર કરવામાં આવી. આ ઉપરાંત રાજ્યમાં બાયોટેક્નોલોજી સેક્ટરમાં ઝડપી અને સર્વસમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે ‘ગુજરાત બાયોટેક્નોલોજી પોલિસી’ જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકારે IT અને ITeS સેક્ટરના સર્વગ્રાહી વિકાસ માટે ‘IT/ITeS પોલિસી-2022’ની જાહેરાત કરી હતી. જે હેઠળ રાજ્ય સરકાર અને બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ ક્ષેત્રની આંતરરાષ્ટ્રિય કંપની વચ્ચે સ્ટ્રેટેજિક MoU થયા હતા. રાજ્યના પ્રતિભાવાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા ‘ખેલકૂદ નીતિ – 2022’નું ડિજિટલ અનાવરણ પ્રધાનમંત્રી મોદીએ કર્યું હતું.અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગથી જાહેર સેવાઓ વધુ અસરકારક રીતે કાર્યક્ષમ બને તે દિશામાં ‘ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસી’ જાહેર કરવામાં આવી હતી. રાજ્યમાં સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રે ઝડપી વૃદ્ધિને પ્રોત્સાહન આપવા ‘સેમિકન્ડક્ટર પોલિસી 2022’ જાહેર કરવામાં આવી છે. વિન્ડ, સોલાર અને હાઇબ્રીડ ટેકનોલોજી પર આધારિત રિન્યૂએબલ એનર્જીને પ્રોત્સાહન આપવા માટે ‘રિન્યુએબલ એનર્જી પોલીસી 2023’ જાહેર કરવામાં આવી હતી. રાજ્યમાં ફિલ્મ શૂટિંગ માટેની ઇકોસિસ્ટમને મજબૂત કરવા ‘સિનેમેટિક પોલિસી 2022’ જાહેર કરી હતી. ભૂપેન્દ્ર પટેલે ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમીક ઈન્સ્ટીટ્યુસન્સ (ICAI-2022) ના ઉદઘાટન સમયે ‘સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી 2.0’ પણ જાહેર કરી હતી. રાજ્યના તમામ સરકારી વિભાગો, HODs, જિલ્લા કચેરીઓ, સત્તાવાળાઓ, ગ્રાન્ટ-ઈન-એઈડ સંસ્થાઓ/બોર્ડ્સ/નિગમો/સોસાયટીઓ દ્વારા વસ્તુ અને સેવાઓના પ્રોક્યોરમેન્ટને આવરી લેતી ‘ગુજરાત ખરીદ નીતિ-2024‘ની જાહેરાત કરવામાં આવી. ગ્રીન હાઈડ્રોજન દ્વારા ઊર્જા સુરક્ષા, ક્લીન એનર્જી અને નેટ ઝીરો ત્રણેય લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ‘ગ્રીન હાઈડ્રોજન પોલિસી 2024’ જાહેર કરવામાં આવી છે.ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી તરીકેના સમયગાળા દરમિયાનના મહત્વના નિર્ણયો કે ઉપલ્બધિઓ વિશે વાત કરીએ. તો, રાજ્ય પર ત્રાટકેલાં બિપરજોય વાવાઝોડાં દરમિયાન ઝીરો કેઝ્યુઅલ્ટી અભિગમ સાથે તંત્રને ખડેપગે રાખીને મજબૂત કામગીરીનો દાખલો પૂરો પાડ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયને ISO 9001:2015 સર્ટિફિકેશન પ્રાપ્ત થયું છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા પોતાની અધિકૃત વોટ્સએપ ચેનલ કાર્યરત કરવામાં આવી છે. સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ્સ ઈન્ડેક્સમાં આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે ગુજરાત સતત બીજી વાર દેશમાં પ્રથમ રહ્યું.રાજ્ય સરકારે ઇ-શ્રમ પોર્ટલ પર 1 કરોડ 17 લાખથી વધુ અસંગઠિત શ્રમયોગીઓને સ્માર્ટ કાર્ડ આપ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 14 લાખથી વધુ આવાસોનું નિર્માણકાર્ય કર્યું છે. યુવાનોના કૌશલ્યને કેન્દ્રમાં રાખીને રોજગારી આપવા ‘કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટી’ની સ્થાપના કરી છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ 58.79 લાખ જેટલા ખેડૂત કુટુંબોને 11,058.59 કરોડ રૂપિયાની રાશી સીધી બેંક ખાતામાં જમા કરાવી છે.ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી તરીકેના સમયગાળા દરમિયાન જ નારી સશક્તિકરણ માટે ‘નારી ગૌરવ નીતિ-2024’ જાહેર કરવામાં આવી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી અમૃતમ (PMJAY-MA) હેઠળ મળતી સહાયને 5 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવી છે. ઉદ્યોગોને આત્મનિર્ભર બનાવવા માટે ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ જાહેર કરવામાં આવી છે.ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય બન્યું છે જ્યાં 4 સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થશે. મોઢેરા ગામને સોલાર વિલેજ જાહેર કર્યાના દોઢ વર્ષમાં જ ત્યાંથી 31.5 મિલિયન યુનિટ ગ્રીન એનર્જીનું ઉત્પાદન, કાર્બન ઉત્સર્જનમાં 28,664 ટનનો ઘટાડો કરવામાં આવ્યો છે. ચોથી આંતરરાષ્ટ્રીય રિન્યુએબલ એનર્જી સમિટનું ગુજરાતમાં પ્રથમવાર આયોજન થવાનું છે.રાજ્યની નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો. ગુજરાતના 20 જિલ્લાના 51 ગામો સ્માર્ટ વિલેજ જાહેર કરવામાં આવ્યા. રાજ્યમાં પહેલી વખત ગિફટ સિટી ખાતે “ફિલ્મ ફેર એવોર્ડ”નું આયોજન કરવામાં આવ્યું હતું.યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા કચ્છના ધોરડો ગામને “બેસ્ટ ટુરિઝમ વિલેજ” જાહેર કરવામાં આવ્યું હતું. UNESCOના Prix Versailles એવોર્ડ અંતર્ગત ભુજનું સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝિયમ વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સામેલ છે. જ્યારે ગુજરાતના ગરબાને યુનેસ્કો દ્વારા “અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર” તરીકે જાહેર કરવામાં આવ્યા છે.ગુજરાત માનવબલિ અને બીજી અમાનુષી, અનિષ્ટ તેમજ અઘોરી પ્રથા, કાળા જાદુ અટકાવવા નિર્મૂલન વિધેયક પસાર કરવામાં આવ્યું. કેન્દ્રના નીતિ આયોગની પેટર્ન પર ‘ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન’-ગ્રિટની રચના કરવામાં આવી છે. ઓપરેશન ગંગા’ હેઠળ યુક્રેનમાં સર્જાયેલી ભયંકર યુદ્ધની પરિસ્થિતિમાંથી 1386 ગુજરાતી વિદ્યાર્થીઓને ગુજરાત પરત લાવવામાં આવ્યા હતા. ‘ઓપરેશન કાવેરી’ હેઠળ સુદાનમાં ફસાયેલા 569 બિન- નિવાસી ગુજરાતીઓને ગુજરાત પરત લાવવામાં આવ્યા હતા.