જૂના કપડામાંથી વિનામૂલ્યે થેલી સીવી આપશે : 5 મહિના સુધી ચલાવાશે કેમ્પેઇન

ભાવનગર: તમારી પાસે જૂના કપડાં છે અને તેની થેલી કે થેલો બનાવવા ઈચ્છો છો, અને તે પણ મફત? જી હા, ભાવનગરે આ પહેલ કરી છે. પ્લાસ્ટિક બેગના સ્થાને કાપડની થેલી વપરાતી થાય તે માટે ભાવનગરમાં ‘તમારા જૂના કપડામાંથી વિનામૂલ્યે થેલી બનાવો’ આ અનોખો પ્રયોગ હાથ ધરાયો છે.સ્વચ્છ ભારત મિશન શહેરી અંતર્ગત માય થેલી અભિયાન અંતર્ગત સખી મંડળની મહિલાઓ દ્વારા નાગરિકોને પ્લાસ્ટિકથી મુક્ત થેલીના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવા માટે વિશિષ્ટ અભિયાન શરૂ કરવામાં આવેલ છે.આ અભિયાન અંતર્ગત 31 ઓક્ટોબર 2025 સુધી મહાપાલિકા હસ્તકના ગંગાજળિયા શેલ્ટર હોમ ખાતે દર અઠવાડિયે ગુરુવાર અને શુક્રવારે સવારે 10 થી 2 અને બપોરે 3 થી 6 દરમિયાન વિનામૂલ્યે થેલી બનાવી આપવામાં આવશે અને પ્લાસ્ટિકની થેલીના વિકલ્પરૂપે લોકોએ આ થેલીનો ઉપયોગ કરવા માટે જનજાગૃતિ માટે સંદેશ આપવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અને મહિલાઓને આજીવિકાના નવા માધ્યમો પૂરા પાડવા અંગેનો છે.

(જયેશ દવે – ભાવનગર)