ઢાકાઃ બાંગ્લાદેશમાં છેલ્લા 10 દિવસમાં ત્રીજા હિંદુ યુવકની હત્યા કરવામાં આવી છે. આ ઘટના બાંગ્લાદેશના મયમન સિંહ જિલ્લામાં બની છે, જ્યાં 18 ડિસેમ્બરે દીપુ ચંદ્ર દાસ નામના હિંદુ યુવકને માર મારીને હત્યા કર્યા બાદ તેના મૃતદેહને જાહેર ચોકમાં સળગાવી દેવામાં આવ્યો હતો. આ તાજી ઘટનાથી ફરી એક વાર હિંસાની આગ ભભૂકી ઊઠી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મયમનસિંહના ભાલુકા વિસ્તારમાં આવેલી એક કપડાની ફેક્ટરીમાં કામ કરતા હિંદુ યુવક અને અન્સાર સભ્ય બજેન્દ્ર બિસ્વાસની તેના સહ કર્મચારીએ ગોળી મારીને હત્યા કરી હતી. અન્સાર બાંગ્લાદેશનું એક અર્ધસૈનિક દળ છે, જે ગ્રામ્ય સુરક્ષા એકમ તરીકે કાર્ય કરે છે. બજેન્દ્ર બિસ્વાસની ઉંમર આશરે 42 વર્ષ હોવાનું જણાવવામાં આવ્યું છે.
. પોલીસના જણાવ્યા મુજબ બિસ્વાસ અને નોમાન મિયા – બંને ફેક્ટરી પરિસરમાં આવેલા અંસાર બેરેકમાં તૈનાત હતા. વાતચીત દરમિયાન નોમાને સરકાર તરફથી આપવામાં આવેલી શોટગન મજાકમાં બિશ્વાસ તરફ તાની હતી. એ જ સમયે અચાનક ગોળી છૂટી ગઈ, જે બિશ્વાસની ડાબી જાંઘમાં વાગી. તેને તાત્કાલિક ભાલુકા ઉપજિલા આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયો, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. જોકે બાંગ્લાદેશમાં હિંદુઓ પર સતત થતા હુમલાઓને ધ્યાનમાં લેતા, આ મામલે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે શું ખરેખર ગોળી મજાકમાં છૂટી હતી કે પછી તેની પાછળ કોઈ કાવતરું હતું?
ત્રણ દિવસ પહેલાં અમૃત મંડલની હત્યા થઈ હતી
આ પહેલાં લગભગ ત્રણ દિવસ પહેલા ઢાકામાં એક અન્ય હિંદુ યુવક અમૃત મંડલની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અમૃત મંડલ પર હપતા વસૂલવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. બાંગ્લાદેશમાં સતત હિંદુઓની હત્યાઓ થઈ રહી છે અને તેમનાં ઘરોને આગ લગાવવામાં આવી રહી છે અને સરકાર મૂક પ્રેક્ષક બનીને જોઈ રહી છે.





