સ્વાદ સાથે સ્વસ્થ ભોજન પીરસતો સાત્વિક મહોત્સવ

અમદાવાદ: વર્ષ 2025ના છેલ્લા અઠવાડિયામાં અમદાવાદ શહેરના પશ્વિમ વિસ્તારના સોલા ભાગવત વિદ્યાપીઠના કેમ્પસમાં ભારે ભીડ જોવા મળી રહી છે. કારણ અહીં કેટલીક એવી વાનગીઓ પીસરાઇ રહી છે જેને લોકો ભૂલી રહ્યા છે.IIM-અમદાવાદ કેમ્પસથી સોલા ભાગવતના કેમ્પસ સુધીની છેલ્લા પંદર વર્ષની વીસરતી વાનગીઓનો સાત્વિક મહોત્સવની સફર અનોખી છે. સાત્વિક મહોત્સવમાં જુદા-જુદા ધાન-શાકની અવનવી વાનગીઓનું જમણ તો થાય છે.

આ સાથે ખેડૂત હાટમાં પ્રાકૃતિક ખેત પેદાશોનું ખેડૂતો દ્વારા વેચાણ થાય છે. મિલેટ એટલે કે હળવા અનાજ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. સામાન્ય માણસના જીવનમાં ઉપયોગી એવી સર્જનશીલ ચીજવસ્તુઓનું પ્રદર્શન થાય છે. આખાય મહોત્સવમાં આહારની સાથે સંસ્કૃતિને સાચવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.કૃષિ-જૈવ વિવિધતાના સંરક્ષણ માટે બજાર આધારિત પ્રોત્સાહનો પૂરા પાડવા માટે સાત્વિક નામનો ઉત્સવ શરૂ કરવામાં આવ્યો હતો. આ ઉત્સવમાં ભાગ્યે જ અથવા ઓછા ઉગાડવામાં આવતા પોષણયુક્ત પાક અને જાતોની માંગ ઉભી થવાથી એમની ખેતીને પ્રોત્સાહન આપી શકાય છે.બાજરી, જુવાર, કઠોળ વગેરે વધુ સમૃદ્ધ હોય છે. આ ઉત્સવ વિવિધ રાજ્યોના ઓછા જાણીતા પરંતુ પોષક તત્વોથી ભરપૂર ખોરાકને શહેરી વિસ્તારના લોકોની થાળીમાં મુકવાનો પ્રયાસ છે. જેથી સૌ સ્વસ્થ ખોરાકની આદતો અને જીવનશૈલી અપનાવી શકે.સાત્વિક મહોત્સવમાં સ્ટોલ પર પાનકી નામની અનોખી ગુજરાતી વાનગી પીરસતા મુંજાલ શાહ ચિત્રલેખા.કોમને કહે છે, “અમે પાંદડામાં પાનકી બનાવીને આપીએ છીએ. આના વિશે ઘણાંને ખબર જ નથી. મારો વ્યવસાય અલગ જ છે. પરંતુ મને આપણી જૂની પરંપરાગત વાનગીઓ લોકો સુધી પહોંચાડવામાં રસ છે. એના કારણે સાત્વિકમાં સ્ટોલ રાખું છું. હવે કુકર અને અન્ય સાધનો આવ્યા એટલે સ્ટીમ થયેલા ઢોકળા આવ્યા. પહેલાં આ રીતે જ ઢોકળા જેવી વાનગીઓ તૈયાર થતી. અમે રાગીમાંથી પાનકી તૈયાર કરીએ છીએ. બાજરો, કોદરા, બાવતા નાગલી , સામો , જુવાર , રાગી અને મકાઈ જેવા પાક શુદ્ધ શાકભાજીનો ઉપયોગ કરી બનતી અનોખી પરંપરાગત વાનગીઓને લોકપ્રિય બનાવવા માટે સાત્વિક એક સારો મહોત્સવ છે.”ઉબાડિયું, ગાજરનો હલવો, ગાયના દૂધની ગુલ્ફી, અવનવી જલેબી, સાતધાનની જલેબી, રાગીના ગુલાબ જાંબુ, રતાળુની પેટિસ, અડદના વડા, રાગી કે જુવારમાંથી બનેલી કેક બિટમાંથી બનેલી વાનગીઓના અનેક સ્ટોલ લાગ્યા છે. એમાંય શિયાળો છે એટલે ઉબાડિયું જેવી વાનગીઓને આરોગવા કતારો લાગે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ- અમદાવાદ)