કેજરીવાલ પર હુમલો, AAPએ ભાજપના પ્રવેશ વર્મા પર લગાવ્યો આરોપ

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરતી વખતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના ભૂતપૂર્વ CM અરવિંદ કેજરીવાલ પર ચૂંટણી પહેલાં હુમલો કરવામાં આવ્યો છે. તેમની કાર પર હુમલો કરવામાં આવ્યો છે. કેજરીવાલને કાળા ઝંડા બતાવવામાં આવ્યા અને પથ્થરો પણ ફેંકવામાં આવ્યા. આપ પાર્ટીએ આ હુમલાને જવાબદાર ભાજપના નેતા પ્રવેશ વર્માને ગણાવ્યા હતા.

આપ પાર્ટીએ લખ્યું હતું કે ભાજપ પક્ષ ચૂંટણીમાં ડરી ગયો છે. આમ આદમી પાર્ટી દ્વારા X પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભાજપ હારના ડરથી નર્વસ થઈ ગઈ છે. અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવા માટે ભાજપને તેના ગુંડા મળી ગયા છે. AAPનો આરોપ છે કે ભાજપના ઉમેદવાર પર્વેશ વર્માના ગુંડાઓએ ચૂંટણીપ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલ પર ઈંટો અને પથ્થરોથી હુમલો કરીને તેમને ઈજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો, જેથી તેઓ પ્રચાર કરી શકે નહીં. આપ પાર્ટીએ કહ્યું હતું  કે ભાજપના લોકો- કેજરીવાલ તમારા કાયર હુમલાથી ડરવાના નથી, દિલ્હીના લોકો તમને જડબાતોડ જવાબ આપશે.

આપ પાર્ટીના કેજરીવાલ પર થયેલા હુમલાના આરોપના જવાબમાં ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ કહ્યું હતું કે કેજરીવાલની કાર ભાજપના કાર્યકર્તાઓને કચડતા આગળ વધી ગઈ છે. ભાજપના કાર્યકર્તાનો પગ તૂટી ગયો છે અને એના ખબરઅંતર પૂછવા માટે હું મેડિકલ કોલેજ જઈ રહ્યો છું. આ બહુ શરમજનક છે.