દક્ષિણ કોરિયાના જંગલમાં વિકરાળ આગ લાગી, મૃત્યુઆંક 18 પર પહોંચ્યો

દક્ષિણ કોરિયા: અમેરિકાના કેલિફોર્નિયામાં વિનાશ સર્જ્યા બાદ હવે દક્ષિણ કોરિયામાં જંગલમાં લાગેલી આગની ઘટનાએ ભારે તબાહી મચાવી છે. દેશના દક્ષિણ વિસ્તારમાં લાગેલી આ આગમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે.

દ.કોરિયાના ઈતિહાસની સૌથી ભયાનક આગ 

અધિકારીઓના જણાવ્યા અનુસાર, 18 મૃતકોમાં ચાર ફાયરબ્રિગેડના અને એક સરકારી કર્મચારીનો પણ સમાવેશ થાય છે. બુધવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે આગમાં 200થી વધુ ઇમારતો રાખ થઈ ગઈ હતી. જ્યારે 27 હજારથી વધુ લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે. આ આગને દ.કોરિયાના ઈતિહાસમાં જંગલમાં લાગેલી સૌથી ભીષણ આગ ગણાવવામાં આવી રહી છે.

કાર્યવાહક પ્રમુખનું મોટું નિવેદન 

દક્ષિણ કોરિયાના કાર્યવાહક પ્રમુખ હાન ડક-સૂએ કહ્યું છે કે આ આગ ગયા શુક્રવારે લાગી હતી અને તે પહેલા કરતા વધુ ખતરનાક બની ગઇ છે. હાને કહ્યું, “નુકસાન વધી રહ્યું છે. આટલી મોટી આગ પહેલા ક્યારેય જોવા મળી નથી. આ અઠવાડિયે અમારે અમારી તમામ ક્ષમતા સાથે આગને ઓલવવાનો પ્રયાસ કરવો પડશે.”