પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં મહાગઠબંધન (INDIA બ્લોક)માં બેઠકોની વહેંચણીનો મુદ્દો વધુ જટિલ બન્યો છે. ઝારખંડ મુક્તિ મોરચા (JMM) અને પશુપતિ પારસનું LJP જૂથ મહાગઠબંધનમાં જોડાતાં હવે આ ગઠબંધન કુલ આઠ પક્ષોનું બની ગયું છે, જેને કારણે 243 બેઠકો પર સમીકરણ બેસાડવું મુશ્કેલ બન્યું છે.
સરળ નહીં હોય બેઠકોની વહેંચણી
ઇન્ડિયા ગઠબંધનની અંદર મોટા પક્ષો પોતાની માગ પર અડગ છે. કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ રાજેશકુમારે જણાવ્યું હતું કે નવા પક્ષોને જગ્યા આપવા માટે સૌએ પોતાની બેઠકોનો ત્યાગ કરવો પડશે. જોકે કોંગ્રેસ 70 બેઠકો કરતાં ઓછી પર લડવા તૈયાર નથી. બીજી બાજુ, VIP પ્રમુખ મુકેશ સહનીએ 60થી વધુ બેઠકો અને ઉપ CM પદની માગ કરી છે. CPI-ML પણ પોતાના ભૂતપૂર્વ પ્રદર્શનને ધ્યાને રાખીને ઓછામાં ઓછી 40 બેઠકો પર દાવો કરી રહી છે. સૌથી મોટો પક્ષ RJDએ પણ 150થી ઓછી બેઠકો પર ચૂંટણી લડવા ઇનકાર કર્યો છે.
2020ની ચૂંટણીમાં કોણ કેટલું જીત્યું?
પાછલી 2020ની વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનના મુખ્ય પક્ષોનું પ્રદર્શન નીચે મુજબ રહ્યું હતું, જેને આધારે તેઓ પોતાની માગો આગળ ધપાવી રહ્યા છે:
RJD: 144 બેઠકો પર ચૂંટણી લડી, 75 જીતી.
કોંગ્રેસ: 70માંથી 19 બેઠકો જીતી.
CPI-ML: 19માંથી 12 બેઠકો જીતી.
CPM: 4માંથી 2 બેઠકો જીતી.
CPI: 6માંથી 2 બેઠકો જીતી.
આ બધાની વચ્ચે RJD નેતા તેજસ્વી યાદવ પહેલેથી જ પોતાને INDIA બ્લોકનો CM ચહેરો ઘોષિત કરી ચૂક્યા છે. આરામાં એક રેલીને સંબોધતાં તેમણે નીતીશકુમારની સરકારને ‘કોપીકેટ સરકાર’ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે તેજસ્વી આગળ-આગળ, સરકાર પાછળ-પાછળ. ઓરિજિનલ CM જોઈએ કે ડુપ્લિકેટ? આ સૂત્ર સાથે તેમણે સરકાર પર તેમના વિચારોની નકલ કરવાનો આરોપ મૂક્યો હતો.
