સાવજની સંખ્યામાં વધારો: 2001માં 327 હતી, 2025માં 891 થઈ

ગાંધનગર: ગુજરાત સરકાર દ્વારા પાંચ વર્ષ બાદ 16મી સિંહ વસતિગણતરીના આંકડા જાહેર કરાયા છે. આ આંકડાઓ મુજબ, રાજ્યમાં એશિયાટિક સિંહોની વસતિ 891 સુધી પહોંચી છે. આ સાથે સિંહોના વસવાટ માટેનો વિસ્તાર પણ  વધ્યો છે. આ આંકડા એ રાજ્યમાં સિંહોની સંખ્યા અને તેમના વસવાટ વિસ્તાર બંનેમાં વૃદ્ધિ દર્શાવે છે. ગણતરી દરમિયાન સિંહોના વર્તન, વસવાટના વિસ્તારો અને તેમના આરોગ્ય પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું.અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને બોટાદ સહિત રાજ્યના 11 જિલ્લામાં 10 થી 13મી મે, 2025 દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસતિગણતરી કરાઈ હતી. ધારી ગીર પૂર્વ વન વિભાગ અંતર્ગત સિંહ વસતિ અંદાજની કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં રીજનલ અધિકારી, ઝોનલ અધિકારી, ગણતરીકારો, ઓબ્ઝર્વર સહિત 511 સ્વયંસેવકો સહિતનાઓએ સિંહ વસતિ અંદાજની કામગીરીમાં જોડાઇને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ આપવાનો ઉમદા પ્રયાસ કર્યો.આ વસતિ અંદાજ માટે વન વિભાગ દ્વારા ‘ડાયરેક્ટ બીટ વેરિફિકેશન’ પદ્ધતિ અપનાવવામાં આવી હતી, જે છેલ્લા ઘણા દાયકાથી અત્યંત સફળ અને ચોકસાઈભર્યું પરિણામ આપતી પદ્ધતિ માનવામાં આવે છે. આ પદ્ધતિ હેઠળ ક્ષેત્રને રીજન, ઝોન અને સબઝોનમાં વહેંચી, અંદાજે 3,000 ટ્રેન વોલન્ટિયર અને ફોરેસ્ટના અધિકારીઓ દ્વારા ચુસ્ત રીતે ગણતરી કરવામાં આવી છે. આ વસ્તી ગણતરી માટે 35,000 ચોરસ કિમી વિસ્તાર આવરી લેવાયો હતો. સિંહોના વસવાટના વિસ્તારને ઝોન, સબઝોન અને રીજનમાં વિભાજિત કરીને ગણતરી માટે લોજિસ્ટિકલ આયોજન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારને આવરી લેતી ગણતરી ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓ સુધી વિસ્તરી હતી, જ્યાં ગીરના મૂળ વિસ્તાર ઉપરાંત કેટલાક નવા વિસ્તારોમાં પણ સિંહોની અવર-જવર નોંધાઈ હતી.રાજ્યસભાના સાંસદ અને ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિના સભ્ય પરિમલ નથવાણીએ સિંહ ગણતરી અંગે જણાવ્યું હતું કે, આપણાં સૌ માટે ખૂબ જ ગર્વની વાત છે કે માત્ર ગુજરાતમાં જ જોવા મળતા એશિયાટીક સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વૃધ્ધિ જોવા મળી રહી છે. ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત અનુસાર તાજેતરમાં હાથ ધરવામાં આવેલી સિંહની વસતિ ગણતરીમાં સિંહોની સંખ્યા 891એ પહોંચી છે. પહેલાં સિંહ માત્ર સાસણ ગીર, જૂનાગઢ અને ધારીની આસપાસના વિસ્તારોમાં જોવા મળતા હતા. પરંતુ હવે તેમનો વિસ્તાર ખૂબ જ વધ્યો છે અને અમરેલી, જાફરાબાદ, દીવ અને પીપાવાવ પોર્ટ સુધી પહોંચ્યા છે. પહેલાં માત્ર જંગલ વિસ્તારમાં વસવાટ કરતા સિંહ હવે દરીયા કિનારાના વિસ્તારોમાં પણ વસવાટ કરવા લાગ્યા છે.

ગુજરાતમાં સિંહની સંખ્યામાં થયેલા વધારા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા સંવર્ધન પ્રયાસોની ખૂબ જ મોટી ભૂમિકા રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રોજેક્ટ લાયન ડોક્યુમેન્ટ “લાયન @ 47: વિઝન ફોર અમૃતકાળ”માં જુદા-જુદા 21 લાયન કોરીડોરની ઓળખ કરીને સિંહોની વધતી જતી વસતિના વ્યવસ્થાપન અને તેની સુરક્ષા સહિતના મુદ્દાઓને કારણે ભવિષ્યમાં પણ ગુજરાતમાં સિંહોની વસતિ ખૂબ જ વધશે તેવી આશા છે. બરડાના જંગલોમાં સિંહોને વસાવીને તેમના માટે નવું ઘર ઊભું કરવાની સરકારની કામગીરી પણ પ્રશંસનીય છે.સિંહની વસ્તીના અંદાજો મેળવવામાં મોર્ડન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વ્યક્તિગત ઓળખમાં મદદ થાય તે હેતુથી ફોટોગ્રાફ્સ લેવા માટે ડિજિટલ કેમેરા, કેમેરા ટ્રેપ્સ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમુક સિંહોને રેડિયો કોલર પણ પહેરાવવામાં આવ્યા હતા જેથી તે સિંહ તેમજ તેના ગૃપનુ લોકેશન મેળવવામાં મદદ મળી હતી.

આ ઉપરાંત, e-gujforest એપ્લીકેશન સિંહ અવલોકનના રિયલ ટાઇમ ડેટા એન્ટ્રી કરવામાં મદદરૂપ થઈ હતી. જેમાં GPS લોકેશન અને ફોટાનો સમાવેશ થવાથી ચોકસાઇ અને કાર્યક્ષમતામાં વધારો થયો હતો. GIS સોફ્ટવેરનો ઉપયોગ સર્વેક્ષણ વિસ્તારોને રેખાંકિત કરવા અને સિંહોની હિલચાલ, વિતરણ પેટર્ન અને રહેઠાણના ઉપયોગને ટ્રેક કરવા માટે વિગતવાર નકશા વિકસાવવા માટે કરવામાં આવ્યો હતો. જરૂર જણાય ફોટાનો ઉપયોગ કરી સિંહોની વ્યક્તિગત ઓળખ કરી શકતા AI આધારિત સોફ્ટવેરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.