નવી દિલ્હી: રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઓ.એસ.ડી. (ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી) રહી ચૂકેલા લોકેશ શર્માની સોમવારે દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે ફોન ટેપિંગ કેસમાં ધરપકડ કરી છે. લોકેશ શર્માને આજે દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. લોકેશ શર્માએ ફોન પર તેમની ધરપકડની પુષ્ટિ કરી છે. આ પહેલા લોકેશ શર્માએ ગત 14મી નવેમ્બરે પોતાની ધરપકડ પર રોક લગાવવા માટે દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજી પાછી ખેંચી લીધી હતી.ત્યારથી તેમની ધરપકડની અટકળો ચાલી રહી હતી. લોકેશ શર્માએ અગાઉ ક્રાઈમ બ્રાન્ચમાં આપેલા નિવેદનોમાં ફોન ટેપિંગમાં તેમની ભૂમિકાનો ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સી.એમ. તરીકે અશોક ગેહલોતે આપેલો ઓડિયો ફોરવર્ડ કરવામાં આવ્યો હતો.લોકેશ શર્માનું કહેવું છે કે તે પહેલાથી જ ક્રાઈમ બ્રાન્ચને તપાસમાં સહકાર આપી રહ્યા છે. આ મામલે આગળ જે પણ તપાસ થશે તેમાં હું સહકાર આપીશ. આ ઉપરાંત આ કેસ સંબંધિત પુરાવા પણ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યા છે.