અમદાવાદ: શહેરમાં હમણાં મેળા, મહોત્સવ, પ્રદર્શનોની મોસમ ચાલે છે. એમાં ગુજરાત વિશ્વકોશ સંકુલમાં એક જુદા જ પ્રકારનું પ્રદર્શન ચાલી રહ્યું છે. 600 વર્ષ જૂના અમદાવાદની ગુજરી બજારની કેટલીક ચીજ વસ્તુઓ , પેઇન્ટિંગ્સ, સ્કલ્પચર્સ સાથે પેચ વર્ક જેવી કળાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.
ઇન્ડિયા આર્ટ ફેર દ્વારા આયોજિત અમદાવાદ કલ્ચરલ વીકમાં જુદા-જુદા વિષયના નિષ્ણાત કલાકારોએ ભાગ લીધો છે. ગુજરાત વિશ્લકોશમાં મુકવામાં આવેલી આ અનોખું આર્ટ ફ્રોમ ધ બઝાર ટુ ધ કેનન, અ ક્લાઇમેટ કલ્ચર એક્ઝિબિશનને પ્રિયા અધ્યારુ મહેતા દ્વારા તૈયાર કરી રજૂ કરવામાં આવ્યું છે. 
રસિકલાલ પરીખ, અમિત અંબાલાલ, પીરીજી સાગ્રા, વૃંદાવન સોલંકી, રતિલાલ કાંસોદરિયા થી માંડી આજની પેઢીના કલાકારોની કલા આ વિશિષ્ટ પ્રદર્શનમાં રજૂ કરવામાં આવી છે.
આ પ્રદર્શનમાં જેમની કલા રજૂ કરવામાં આવી છે એવા સંવેદના વૈશ્ય ચિત્રલેખા.કોમને કહે છે ફ્રોમ બઝાર ટુ ધ કેનનની વિશિષ્ટતા એ છે કે અત્યારે પર્યાવરણની પરિસ્થિતિ પૃથ્વી પરનું બદલાતું વાતાવરણ એટલેકે ક્લાઇમેટ ચેન્જને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એક અલગ ઉમદા વિચાર સાથે તમામ પ્રકારના કલાકારોની કલાને રજૂ કરવામાં આવી છે. મારી જ આર્ટની વાત કરું તો ઇશાવાસ્યમ ઇદં સર્વમ…આ બ્રહ્યાંડમાં જે કંઇ પણ અસ્તિત્વ ધરાવે છે. એ બધું જ ઇશ્વર થી પ્રાપ્ત છે. દરેક કણમાં ઇશ્વરનો વાસ છે. જે શ્લોકને આર્ટ દ્વારા રજૂ કરી છે.
આમાં ભાગ લેનાર દરેક કલાકારને આ કન્સેપ્ટથી અલગ જ અનુભુતિ છે. ભારવી ત્રિવેદીએ પણ ગુજરાત ભારતના નકશાની ભવિષ્યની પરિસ્થિતિને પોતાની કળા દ્વારા રજૂ કરી છે.
આ આર્ટ એક્ઝિબિશનમાં મોનલ શાહના એક આર્ટ વર્કમાં ગાયો દેખાય છે. જે જુદી જુદી સાડીમાંથી પેચવર્ક તૈયાર કરાયું છે. જેનું નામ છે…સ્કેર્ડ ટેપેસ્ટ્રી..પવિત્રતા અને આધ્યાત્મિકતાથી તૈયાર કરેલું…
મોટાભાગે ગ્રંથ નિર્માણ, પ્રબુધ્ધ લોકોના વક્તવ્યો, સંવાદ, સેમિનાર જે સ્થળે થાય છે. એ ગુજરાત વિશ્વકોશમાં અમદાવાદ કલ્ચરલ વીકનું આ ફ્રોમ બઝાર ટુ કેનન આર્ટ એક્ઝિબિશન, રવિવારી બજારનું કલેક્શન દર્શનીય છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)




