દિલ્હીનાં 21 કેન્દ્રોમાં AQI અત્યંત ખરાબઃ સમિતિની રચના

નવી દિલ્હીઃ હવામાન વિભાગ (IMD)એ દિલ્હીમાં ગાઢ ધુમ્મસને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે મંગળવારે મહત્તમ તાપમાન અંદાજે 21 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન લગભગ 8 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. એર ક્વોલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમ અનુસાર શહેરની હવાની ગુણવત્તા મંગળવાર અને બુધવારે ‘અત્યંત ખરાબ’ શ્રેણીમાં રહેવાની શક્યતા છે, ત્યાર બાદ નવા વર્ષના દિવસે તે ફરીથી ‘ગંભીર’ શ્રેણીમાં પહોંચવાની શક્યતા છે.

દિલ્હી, નોઇડાથી ગાજિયાબાદ સુધી નવા વર્ષનું સ્વાગત વરસાદ સાથે થવાની શક્યતા છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ પહેલી જાન્યુઆરીએ દિલ્હી-NCRમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદ અથવા ઝરમર વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગનું કહેવું છે કે 30 ડિસેમ્બરથી પશ્ચિમી હિમાલય વિસ્તારમાં એક પશ્ચિમી વિક્ષેપ સર્જાઈ રહ્યો છે, જેને કારણે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ મેદાની વિસ્તારોમાં તેની અસર જોવા મળવાની શક્યતા છે. જ્યારે પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં 29 અને 30 ડિસેમ્બરે વરસાદ થવાની આગાહી છે.

પ્રદૂષણ સામે લડવા નિષ્ણાતોની સમિતિ

દિલ્હી સરકારે હવાની ગુણવત્તાના સંકટથી નિકળવા માટે ઉપાયો સૂચવવા નિષ્ણાતોની એક સમિતિની રચના કરી છે. સરકારની પાંચ સૂત્રીય પ્રદૂષણ નિયંત્રણ વ્યૂહરચના હેઠળ આ સમિતિ બનાવવામાં આવી છે. આ વ્યૂહરચનામાં નવા ઉપાયો અપનાવવા, ધૂળ અને ઘન કચરાનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવો, પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે કાર્યવાહી, વાહનોમાંથી થતા ઉત્સર્જનમાં ઘટાડો અને દિલ્હીને હરિત તથા સ્વસ્થ બનાવવા માટે દીર્ઘકાલીન પ્રયાસોનો સમાવેશ થાય છે.

દિલ્હીનો AQI અત્યંત ખરાબ

દિલ્હીની હવાની ગુણવત્તામાં ભલે થોડો સુધારો થયો હોય, છતાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 388 સાથે ‘ખૂબ ખરાબ’ શ્રેણીમાં નોંધાયો છે. મંગળવારની સવારે AQI 388 રહ્યો, જે સોમવારની તુલનામાં નાનો સુધારો દર્શાવે છે. સોમવારે શહેરની હવાની ગુણવત્તા 401 સાથે ‘ગંભીર’ શ્રેણીમાં હતી.

(CPCBના આંકડા અનુસાર મંગળવારે 16 હવા ગુણવત્તા મોનિટરિંગ કેન્દ્રો ‘ગંભીર’ શ્રેણીમાં હતાં, જ્યારે 21 કેન્દ્રોમાં હવાની ગુણવત્તા ‘અત્યંત ખરાબ’ શ્રેણીમાં નોંધાઈ. આંકડાઓ મુજબ જહાગીરપુરી અને આનંદ વિહારમાં હવાની ગુણવત્તા સૌથી ખરાબ રહી, જ્યાં AQIનું સ્તર 451 સુધી પહોંચી ગયું હતું.