જેલમાં કેજરીવાલ સાથે કંઈ પણ થઈ શકે, આપનો ગંભીર આરોપ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત દારૂ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં બંધ છે. તાજેતરમાં એલજીના પ્રિન્સિપલ સેક્રેટરી વિનય કુમાર સક્સેનાએ સીએમ કેજરીવાલના સ્વાસ્થ્યને લઈને એક પત્ર લખ્યો હતો. પ્રિન્સિપલ સેક્રેટરીએ પત્ર લખીને કહ્યું હતું કે કેજરીવાલ ડાયટ ચાર્ટ પ્રમાણે નથી ખાતા. સીએમ કેજરીવાલ પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે, સીએમ કેજરીવાલ જાણીજોઈને જેલમાં ઓછી કેલરી લઈ રહ્યા છે, જેના કારણે તેમનું વજન ઘટી રહ્યું છે.

 

સીએમ કેજરીવાલના સ્વાસ્થ્ય પર ઉઠાવવામાં આવતા પ્રશ્નોના જવાબ આપવા માટે, આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા સંજય સિંહે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એલજીના પ્રિન્સિપલ સેક્રેટરી દ્વારા કરવામાં આવેલા આરોપોનો જવાબ આપ્યો. ભાજપ સરકાર પર પ્રહાર કરતા સંજય સિંહે કહ્યું કે, ભાજપ સરકાર અને એલજી જેલમાં અરવિંદ કેજરીવાલના જીવન સાથે રમત રમી રહ્યા છે અને તેમની હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે. સંજય સિંહે કહ્યું કે અરવિંદ કેજરીવાલ વિશે ખોટી મેડિકલ રિપોર્ટ જારી કરવી એ હત્યાના પ્રયાસના કેસ સમાન છે, અને એમ પણ કહ્યું કે અમે વકીલોની સલાહ લઈ રહ્યા છીએ

.

સંજય સિંહે ભાજપ અને એલજી પર આકરા પ્રહારો કર્યા હતા

સંજય સિંહે કહ્યું કે, જેલ પ્રશાસન દ્વારા કેજરીવાલના વકીલને આપવામાં આવેલા દસ્તાવેજો અને મેડિકલ રિપોર્ટ્સ દર્શાવે છે કે જેલમાં અરવિંદ કેજરીવાલ સાથે ગમે ત્યારે કંઇક અપ્રિય બની શકે છે. સંજય સિંહે આરોપ લગાવતા કહ્યું કે પહેલા તેમણે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ વધુ ખાવાથી તેમની કેલરી અને શુગર વધારી રહ્યા છે. ઇન્સ્યુલિનની જરૂર નથી અને હવે તેઓ કહી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલ ખાતા નથી એટલે તેમનું વજન ઘટી રહ્યું છે, શું આ મજાક છે? જેલમાં અરવિંદ કેજરીવાલને મારી નાખવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે.