નવી દિલ્હીઃ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડના ડિરેક્ટર અનિલ અંબાણીને ફરી એક વાર મોટો આંચકો લાગ્યો છે. સતત કોઈ ને કોઈ કારણસર ચર્ચામાં રહેનારા અનિલ અંબાણીને બેંક ઓફ બરોડાએ તેમના લોન એકાઉન્ટને ફ્રોડ જાહેર કર્યું છે, બેંકે શુક્રવારે સ્ટોક એક્સચેન્જને આ માહિતી આપી હતી. બેંકમાંથી આ લોન કંપનીએ કોર્પોરેટ દેવાળિયા સમાધાન પ્રક્રિયા (CIRP)માં જવા પહેલાં લીધી હતી.
નાદારીની પ્રક્રિયા પહેલાં લીધી હતી લોન
અનિલ અંબાણીની કંપની આરકોમ તરફથી બેંક ઓફ બરોડાની કાર્યવાહી બાદ જણાવવામાં આવ્યું કે લોન તેમણે નાદારી પ્રક્રિયા શરૂ થવા પહેલાં લીધી હતી. હવે તેનો નિકાલ કે સમાધાન યોજનાને આધારે અથવા બીજા કોઈ રીતે ઉકેલ આવવો જોઈએ. હાલમાં કંપની રિઝોલ્યુશન પ્રોફેશનલ અનિશ નિરંજન નાણાવટીના મેનેજમેન્ટ હેઠળ છે. અનિલ અંબાણી હવે કંપનીના ડિરેક્ટર બોર્ડમાં સામેલ નથી.
કંપએ સ્પષ્ટ કર્યું કે IBC, 2016 હેઠળ બહાર પાડવામાં આવેલી CIRP પ્રક્રિયા દરમિયાન તેના વિરુદ્ધ કોઈ નવી કાનૂની કાર્યવાહી કે પહેલાંથી બાકી કેસોની સુનાવણી થઈ શકતી નથી. આવા સમયમાં કંપની બેંક ઓફ બરોડાની કાર્યવાહી બાદ કાનૂની સલાહ લઈ રહી છે.
ED કરી રહી છે કૌભાંડની તપાસ
અનિલ અંબાણીની કંપની આરકોમ અને બેંકનો આ મામલો ED દ્વારા અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓ સાથે જોડાયેલા લોન કૌભાંડની તપાસમાં સામે આવ્યો છે. EDએ 12થી 13 બેંકો પાસેથી રિલાયન્સ હાઉસિંગ ફાઇનાન્સ, આરકોમ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ સાથે જોડાયેલા લોનની વિગતો માગી છે. આ કેસમાં કહેવાતી છેતરપિંડીની કુલ રકમ અંદાજે 17,000 કરોડ રૂપિયા છે.
આ પહેલાં અગાઉ 2024માં SBIએ પણ આરકોમના લોન એકાઉન્ટને ફ્રોડ જાહેર કર્યું હતું. ત્યાર બાદ 24 ઓગસ્ટે બેંક ઓફ ઈન્ડિયાએ પણ આ જ પગલું ભરતાં અનિલ અંબાણીનું નામ લઈને ફંડ ડાયવર્ઝન અને લોનની શરતોના ઉલ્લંઘનનો આરોપ મૂક્યો હતો. બેંક ઓફ બરોડાએ આગળ કહ્યું કે આ કાર્યવાહીનો અહેવાલ ભારતીય રિઝર્વ બેંક (RBI)ને સોંપવામાં આવ્યો છે.
