અત્યારે મુંબઈસ્થિત એનસીપીએની પિરામલ આર્ટ ગૅલરીના ક્યુરેટર એવા ભૂતપૂર્વ ફોટો જર્નાલિસ્ટ મુકેશ પારપિયાનીએ અનેક અખબારો માટે મુંબઈની રોજિંદી સ્ટ્રીટ લાઈફથી લઈને આર્ટ તથા સેલિબ્રિટી ઈવેન્ટ્સ, ઈન્ટરવ્યૂ અને એક્સક્લુઝિવ ફોટો શૂટ્સ કર્યા હતા. એમણે ખેંચેલી દુર્લભ કહી શકાય એવી ૮૦થી ૧૦૦ તસવીરોનું સોલો પ્રદર્શન ૧૭ જાન્યુઆરીથી જહાંગીર આર્ટ ગૅલરીની ટેરેસ પર જોવા મળવાનું છે.
એક્ઝિબિશનમાં ફોટો રસિકો શું જોઈ શકશે એ વિશે મુકેશ પારપિયાની ચિત્રલેખા સાથે વાત કરતા રહ્યું કે, સચીન તેન્ડુલકર રણજી પ્રવેશ પહેલાં શિવાજી પાર્કમાં રમતા ત્યારથી એની તસવીરો મેં લીધી છે, એમાંથી સિલેક્ટેડ ફોટા મૂકીશું. અમિતાભ બચ્ચન સાત હિંદુસ્તાની ફિલ્મ વખતે સંઘર્ષ કરતા હતા ત્યારથી કુલી ફિલ્મ વખતની ઈજા અને પછીની સેંકડો તસવીરો મેં પાડેલી એમાંથી પણ ચુનંદા ફોટા જોવા મળશે. અનેક વડા પ્રધાન, રાષ્ટ્રપતિથી લઈને આસારામ બાપુ અને રામદેવ બાબા સહિતના ફોટોગ્રાફ્સનું વ્યાપક કલેક્શન હોય કે મુંબઈની યુનિક સ્ટ્રીટ લાઈફ, એ બધામાંથી સિલેક્ટેડ ફોટા મૂકવાના છીએ.
એંસીના દાયકામાં પ્રિન્સ ચાર્લ્સ મુંબઈ આવ્યા ત્યારે અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરેએ અચાનક એમને ચુંબન કરી લીધું હતું એ ક્ષણ મુકેશભાઈના કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. દુનિયાનો નંબર-વન બૉક્સર મોહમ્મદ અલી પહેલી વાર મુંબઈ આવીને ખુલ્લી કારમાં ઍરપોર્ટથી તાજમહેલ હોટેલ જતો હતો એ પ્રવાસ પણ મુકેશભાઈએ કૅમેરામાં ઝડપ્યો હતો. આવી ક્ષણોની અનુભૂતિ નવી જનરેશનને કરાવવાના હેતુથી મુકેશ પારપિયાનીએ આ પ્રદર્શન યોજ્યું છે. નોંધનીય છે કે ૨૩થી ૩૦ જાન્યુઆરી વચ્ચે પ્રસિદ્ધ કાલા ઘોડા ફેસ્ટિવલ પણ યોજાવાનો છે એટલે એ માણવા આવનારા કળારસિકોને જહાંગીર આર્ટ ગૅલરીમાં મુકેશભાઈનું તસવીર પ્રદર્શન પણ જોવા મળશે. જેમાં પ્રવેશ વિનામૂલ્યે પ્રવેશ છે. જેનો સમય સવારે ૧૧:૦૦થી સાંજે ૭:૦૦ નો રાખવામાં આવ્યો છે.
સમીર પાલેજા (મુંબઈ)