મિશન પેન પ્લસ – સિંગલ યુઝ પ્લાસ્ટિ પેન સાથે ‘બ્રેકઅપ’

અમદાવાદ: કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ ઘાટલોડિયા ખાતે પેન પાલ્સ કોર્પોરેટના સહયોગથી એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણી આસપાસ પર્યાવરણને લગતી અનેક સમસ્યાઓ જોવા મળતી હોય છે, જેમાં પ્લાસ્ટિક વેસ્ટ ગંભીર સમસ્યા છે. ત્યારે મિશન પેન પ્લસ વે એવરીથિંગ કનેક્ટ્સ ફાઉન્ડેશન (WAY Foundation)) દ્વારા અમદાવાદની શાળાઓમાં પ્રાયોગિક ધોરણે પ્લાસ્ટિકના ઉપયોગ વિરૂદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પ્લાસ્ટિક વેસ્ટમાં વપરાયેલ પ્લાસ્ટિકની પેનના કચરાને લઇને પર્યાવરણ પર થતી અસરો અંગે વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવી રહ્યાં છે.

સેમિનાર દરમ્યાન પેન પલ્સના ફાઉન્ડર રિચા જોહરીએ જણાવ્યું હતું કે ‘એક અંદાજ પ્રમાણે દેશમાં એક વર્ષમાં 6 બિલિયન પેનનો ઉપયોગ થાય છે. પરંતુ તેના નિકાલની કોઇ જ વ્યવસ્થા નથી. જેની પર્યાવરણ પર વ્યાપક પ્રમાણમાં અસર પડે છે. વિદ્યાર્થીઓએ શક્ય તેટલી મેટલ અથવા ફાઉન્ટેન પેનનો ઉપયોગ કરવો જોઇએ. જો પ્લાસ્ટિક પેનનો ઉપયોગ કરો છો તો તેના ઉપયોગ બાદ તેને ગમે ત્યાં ફેંકવાની જગ્યાએ એકત્રિત કરી પેન પલ્સને સોંપો.’આ એકત્રિત થયેલી પ્લાસ્ટિક પેનમાંથી પેન પલ્સ બુક સ્ટેન્ડ, ટી-કોસ્ટર, ફોટોફ્રેમ, સ્ટેન્ડિંગ લાઇટ, ટેબલ અને ખુરશી જેવી વિવિધ કસ્ટમાઇઝ અને ઉપયોગી વસ્તુ બનાવે છે.