બાળકો સામેના યૌન શોષણમાં 94 ટકાનો ચિંતાજનક વધારો

નવી દિલ્હીઃ ભારત, નેપાળ અને શ્રીલંકાના -આ ત્રણેય દેશોમાં આશરે આઠમાંથી એક બાળક (12.5 ટકા) 18 વર્ષની ઉંમર પહેલાં યૌન ઉત્પીડન અથવા બળાત્કારની ફરિયાદ નોંધાવે છે. આ ત્રણ દેશોમાં મળીને આશરે 5.4 કરોડ બાળકો છે, એમ સર્વેક્ષણના દર્શાવે છે.

દક્ષિણ એશિયામાં 2024માં બાળ યૌન શોષણ સંબંધિત સામગ્રી (CSAM) અંગેની મોટા ભાગની ફરિયાદો ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં નોંધાઈ હતી, જેમાં માત્ર ભારતમાંથી જ 22.5 લાખ કેસ નોંધાયા હતા. તેમ છતાં આ ક્ષેત્રમાં ભારતની CSAM ઉપલબ્ધતા દર સૌથી ઓછી છે (દર 10,000 લોકોદીઠ 15.5 ફરિયાદો), જે મજબૂત ઓળખ અને રિપોર્ટિંગ સિસ્ટમનો સંકેત આપે છે.

દેશમાં 2017થી 2022 દરમિયાન POCSO કાયદા હેઠળ બાળકો સામેના યૌન ગુનાઓમાં 94 ટકાનો વધારો થયો છે, જે 33,210થી વધી 64,469 સુધી પહોંચ્યો છે. વધતા આંકડાઓ છતાં આ  કેસોમાં કાર્યવાહીનો દર 90 ટકાથી વધુ રહ્યો છે, જે મજબૂત કાનૂની અમલ અને રિપોર્ટિંગ સિસ્ટમની નિશાની છે. આ વાત એડિનબર્ગ યુનિવર્સિટી અને ન્યુ સાઉથ વેલ્સ યુનિવર્સિટીના ચાઈલ્ડલાઈટ ગ્લોબલ ચાઈલ્ડ સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બહાર પાડવામાં આવેલી નવા રિપોર્ટમાં સામે આવી છે.

માત્ર ભારતમાં 22.5 લાખ કેસ નોંધાયા

અપરાધના આંકડામાં પારદર્શિતા વધુ અસરકારક દેખરેખ અને ઝડપી કાર્યવાહી માટે સહાયરૂપ બને છે. ભારત, નેપાળ અને શ્રીલંકાના સર્વેમાં જણાયું કે આશરે 12.5 ટકા બાળકો 18 વર્ષની ઉંમર પહેલાં યૌન ઉત્પીડન અથવા બળાત્કારની ફરિયાદ કરે છે. દક્ષિણ એશિયામાં 2024માં નોંધાયેલા CSAM કેસોમાં ભારત સૌથી આગળ રહ્યું હતું.

તેમ છતાં ભારતની CSAM ઉપલબ્ધતા દર સૌથી ઓછી છે (દર 10,000 લોકોદીઠ 15.5 ફરિયાદો), જે બતાવે છે કે દેશમાં ઓળખ અને રિપોર્ટિંગ પ્રણાલીઓ અસરકારક છે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે બાળકોને લગતી યૌન શોષણ સામગ્રી બનાવવામાં અને ફેલાવવામાં કૃત્રિમ બુદ્ધિ (AI)નો દુરુપયોગ વધી રહ્યો છે. 2023 અને 2024 વચ્ચે AI દ્વારા તૈયાર થયેલી CSAM સામગ્રીમાં 1,325 ટકાનો વધારો નોંધાયો છે.

ચાઈલ્ડલાઈટના CEO અને ઇન્ટરપોલના પૂર્વ ડિરેક્ટર પોલ સ્ટેનફિલ્ડે જણાવ્યું કે ટેકનોલોજી દ્વારા સરળ બનેલો દુર્વ્યવહાર હજુ પણ વ્યાપક છે. દરેક આંકડા પાછળ એક બાળક છે, જેના સુરક્ષા, સન્માન અને ભવિષ્ય છીનવાઈ ગયા છે, પરંતુ જો આપણે હમણાં કાર્યવાહી કરીએ તો આ સંકટને રોકી શકાય છે.