અમૂલની વિશ્વની નંબર-૧ સહકારી સંસ્થા તરીકે પસંદગી

આણંદ: ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (અમૂલ)ને ICA વર્લ્ડ કો-ઓપરેટિવ મોનિટર ૨૦૨૫ મુજબ પ્રતિ વ્યક્તિ GDP પ્રદર્શનના આધારે વિશ્વની નંબર વન સહકારી સંસ્થા તરીકે સ્થાન મળ્યું છે, જે અંગેની જાહેરાત દોહા, કતારમાં યોજાયેલી ICA CM 50 કોન્ફરન્સમાં કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ ૨૦૨૫ના અવસરે પ્રાપ્ત આ માન્યતા અમૂલના લાખો દૂધ ઉત્પાદકોને સશક્ત બનાવવાના પ્રયત્નો અને સમાવવામાં આવતા વિકાસ, સામાજિક સમાનતા તથા ટકાઉ ગ્રામ્ય વિકાસને પ્રોત્સાહન આપતી તેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (ICA), જેનું મુખ્ય મથક બ્રસેલ્સમાં આવેલું છે અને વિશ્વભરના સહકારી સંગઠનોનું પ્રતિનિધિત્વ કરે છે તેમજ ટકાઉ વ્યવસાય મોડેલને આગળ ધપાવે છે. દર વર્ષે વર્લ્ડ કો-ઓપરેટિવ મોનિટર, EURICSE (યુરોપિયન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓન કો-ઓપરેટિવ એન્ડ સોશિયલ એન્ટરપ્રાઇઝિસ) સાથેના સહયોગમાં, વિશ્વની અગ્રણી સહકારી સંસ્થાઓના આર્થિક અને સામાજિક પ્રભાવનું વિશ્લેષણ કરે છે.

આ સિદ્ધિ અંગે ડૉ. જયેન મહેતા, મેનેજિંગ ડિરેક્ટર, GCMMF (અમૂલ) એ જણાવ્યું કે, “અમૂલ એક એવી બ્રાન્ડ છે, જે સંપૂર્ણપણે ખેડૂતોની માલિકીની છે. તેઓ જ દૂધ સંપાદન કરવાથી લઈને ઉત્પાદન અને માર્કેટિંગ સુધી બધું સંચાલન કરે છે. અમારું માત્ર આર્થિક યોગદાન નથી, અમારું મોડલ ગરીબીને ઓછી કરવાનું, જાતિ આધારિત સમાનતા અને ટકાઉ સમુદાય જેવા યુએનના ટકાઉ વિકાસ લક્ષ્યો (UN SDGs) ને સમર્થન આપવાનું છે.”

અમૂલની સફળતા તેના ત્રિ-સ્તરીય સહકારી માળખા પર આધારિત છે, જેમાં ૧૮,૬૦૦ થી વધુ ગ્રામ્ય દૂધ સહકારી મંડળીઓ અને ૩૬ લાખથી વધુ દૂધ ઉત્પાદકો જોડાયેલ છે, જેમાં મોટાભાગે મહિલાઓ જોડાયેલા છે. ફેડરેશને ભારતને દૂધની અછત ધરાવતા દેશમાંથી વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક રાષ્ટ્રમાં રૂપાંતરિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને ગ્રામ્ય જીવન તેમજ રાષ્ટ્રીય પોષણ સુરક્ષામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. અમૂલ “ધ ટેસ્ટ ઑફ ઇન્ડિયા” ની ભાવનાને સંગઠિત  કરે છે અને વિશ્વભરમાં સહકારી ઉત્કૃષ્ટતાનું પ્રતીક બની રહ્યું છે.

આજે દોહા, કતારમાં યોજાયેલા સંયુક્ત રાષ્ટ્ર સામાજિક શિખર સંમેલન 2025 દરમિયાન વિશ્વના નેતાઓએ એક રાજકીય ઘોષણાપત્ર સ્વીકાર્યું, જેમાં સહકારી સંસ્થાઓ દ્વારા ગરીબી ઘટાડવામાં, સામાજિક સમાવેશનમાં, રોજગાર સર્જનમાં અને સામાજિક પરિવર્તનમાં ભજવાતી મહત્વપૂર્ણ ભૂમિકાને માન્યતા અપાઈ.