બોટાદ: સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં ગુજરાતનું સૌથી મોટું 1100 રૂમનું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન તૈયાર થઇ ગયું છે. 31 ઓક્ટોબર, 2024ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ લક્ઝુરિયસ હોટેલને ટક્કર આપે તેવા યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું. અમિત શાહ મારૂતિ યજ્ઞમાં પણ સહભાગી થઈ રહ્યા છે. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે યોજાયેલ સભામાં મોટી સંખ્યામાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો ઉપસ્થિત રહ્યાં.આ પ્રસંગે વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજે અમિત શાહને વડતાલ ખાતે યોજાનાર દ્વિ શતાબ્દી મહોત્સવનું આમંત્રણ આપ્યું હતું. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે મોટી સંખ્યામાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો તેમજ પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યાં હતા.સાળંગપુરમાં અમિત શાહે કષ્ટભંજન દેવની જય બોલાવી પ્રવચન શરૂ કર્યું હતું. આ સાથે તેઓએ સંતોના ચરણોમાં વંદન કરી તમામ ભક્તોને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. દિવાળી અને રૂપ ચૌદશના દિવસે દાદાના દર્શન કરવાનો મોકો મળ્યો તે બદલ સંસ્થાનો હૃદયપૂર્વક આભાર માનું છું. કરોડો લોકોને કષ્ટ પડે ત્યારે તે અહીં આવે છે અને મને પણ જ્યારે કષ્ટ પડ્યું ત્યારે દાદાને યાદ કર્યા હતા.
સાળંગપુરમાં દિવસે ને દિવસે હનુમાન દાદાના દર્શનાર્થે લાખો ભક્તો ઊમટી રહ્યા છે. દાદાના ભક્તોને કોઈ તકલીફ ન પડે એ માટે મંદિરના સંતો દ્વારા લક્ઝુરિયસ હોટલને ટક્કર આપે તેવું શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન લાગી રહ્યું હતું, જેનું એલિવેશન ઈન્ડિયન રોમન સ્ટાઈલનું છે. આ ભવનની ડિઝાઈન ચારથી પાંચવાર બનાવવામાં આવી હતી. એ પછી અત્યારની ડિઝાઈન સંતોએ ફાઈનલ કરી હતી.