દાંતા: સુપ્રસિધ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજીના મેળાની ભાદરવી પૂનમ નજીક આવી રહી છે. મા અંબાના દર્શન માટે જુદાં-જુદાં ગામ અને શહેર તરફથી હજારો પગપાળા સંઘો જઈ રહ્યા છે.ભાદરવી પૂનમ તેમજ આખાય વર્ષના સમયગાળા દરમિયાન અંબાજીના દર્શન માટે કેટલાક શ્રધ્ધાળુઓ અનોખી રીતે જતા જોવા મળે છે.
અમદાવાદ શહેરના સતાધાર વિસ્તારના પરેશભાઈનો ‘એક્સઝોન અંબાજી પગપાળા સંઘ’ સતત પંદર વર્ષ કરતાંય વધારે સમયથી ભાદરવી પૂનમના મેળામાં અંબાજી મંદિરે ધજા ચઢાવવા જાય છે.
‘એક્સઝોન પગપાળા સંઘ’ સાથે જોડાયેલા હાર્દિક શાહ ચિત્રલેખા.કોમને કહે છે આ સંઘના નામની જેમ એક વિશેષતા એનો રથ છે. સતત પંદર કરતાંય વધારે વર્ષથી કારમાં રથ તૈયાર કરવામાં આવે છે. શણગારેલા આ વિશિષ્ટ ( રથ )કારમાં મા અંબા બિરાજમાન હોય છે.
આ વર્ષે ઈકો કારને સુંદર રીતે સજાવી રથમાં રૂપાંતરિત કરવામાં આવી છે. આ સુંદર રથની સેવામાં ‘બોલ મારી અંબેના જય જય અંબે’ ના નારા સાથે પચાસ લોકોએ અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. આ પગપાળા સંઘ અંબાજી માતાજીના મંદિરે ધજા ચઢાવી પૂજા-અર્ચના કરશે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)
