AI માનવ ઇતિહાસનું ટ્રાન્સફોર્મેશન છેઃ PM મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026નું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે 20થી વધુ દેશો અને 500થી વધુ AI લીડર્સનું ભારતમાં સ્વાગત કર્યું હતું. ભારતમાં યોજાઈ રહેલી આ સમિટને તેમણે ગ્લોબલ સાઉથ માટે ગૌરવનો વિષય ગણાવ્યો. ભારત મંડપમમાં યોજાઈ રહેલી આ સમિટ દ્વારા એવો સંદેશ આપવાની આશા છે કે આવતાં વર્ષોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અંગેની વૈશ્વિક ચર્ચાઓમાં ભારત કેવી રીતે નેતૃત્વ કરવા ઇચ્છે છે.

આ ઉદ્ઘાટન સત્ર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું અને સુરક્ષિત, નિષ્પક્ષ અને લોકોના હિતમાં AIના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. સમિટ દરમિયાન વડા પ્રધાન થનારા લીડર્સ પ્લેનરી સેશનમાં પણ ભાગ લેશે. આ સેશનમાં વિવિધ દેશોના રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, મંત્રીઓ અને વૈશ્વિક સંસ્થાઓના ટોચના અધિકારીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંબંધિત મુખ્ય પ્રાથમિકતાઓ પર ચર્ચા કરવા માટે એક મંચ પર આવશે. મુકેશ અંબાણી, સેમ અલ્ટમેન અને મેટાના એલેક્ઝાન્ડર વેંગનું પણ આજે કીનોટ સંબોધન રહેશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું  કે જ્યારે પ્રથમ વખત વાયરલેસ રીતે સિગ્નલ મોકલવામાં આવ્યા હતા, ત્યારે કોઈએ કલ્પના પણ કરી નહોતી કે એક દિવસ આખી દુનિયા રિયલ ટાઈમમાં એકબીજા સાથે જોડાઈ જશે. કૃત્રિમ બુદ્ધિમત્તા માનવ ઇતિહાસમાં એવો જ એક પરિવર્તનકારક મોરચો છે. આજે આપણે જે જોઈ રહ્યા છીએ અને જે ભવિષ્યવાણી કરી રહ્યા છીએ, તે તો તેના પ્રભાવની માત્ર શરૂઆત છે.

માનવીય ક્ષમતાઓને અનેક ગણી વધારી રહ્યું છે AI: PM મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે AI મશીનોને બુદ્ધિશાળી બનાવી રહ્યું છે, પરંતુ તેનાથી પણ વધુ, તે માનવીય ક્ષમતાઓને અનેક ગણી વધારી રહ્યું છે. ફક્ત એક જ ફરક છે – આ વખતે ગતિ અભૂતપૂર્વ છે અને તેનો વ્યાપ પણ અણધાર્યો છે. પહેલાં ટેક્નોલોજીનો પ્રભાવ દેખાવા માટે દાયકાઓ લાગતા. આજે મશીન લર્નિંગથી લઈને લર્નિંગ મશીન્સ સુધીનો સફર પહેલાથી ઘણો ઝડપી, ઊંડો અને વ્યાપક છે.

PM મોદીએ AIની શક્તિનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે AI એક પરિવર્તનકારી શક્તિ છે – દિશાહીન બનશે તો વિક્ષેપ લાવશે, પરંતુ યોગ્ય દિશા મળશે તો ઉકેલ બનશે.