સાયન્સ સિટી ખાતે ફોટો, રીલ અને વીડિયો સ્પર્ધાનું આયોજન

અમદાવાદ: ગુજરાત સાયન્સ સિટી દ્વારા 14 જુલાઈએ ફોટો, રીલ અને વીડિયો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. એક્વેટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી અને નેચર પાર્કની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે આ આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોમાં વિજ્ઞાન પ્રત્યે અભિરૂચિ વધે તે માટે ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી દ્વારા અવાર-નવાર વિજ્ઞાન વિષયક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહે છે. આગામી 16 જુલાઈએ ગુજરાત સાયન્સ સિટીના ફેઝ-2માં આવતી એક્વેટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી અને નેચર પાર્કની ત્રીજી વર્ષગાંઠ છે. જે નિમિત્તે ગુજરાત સાયન્સ સિટી દ્વારા ફોટો સ્પર્ધા, રીલ સ્પર્ધા અને વીડિયો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ‘SCIENCE CITY- THE EDUTAINMENT HUB’ની થીમ પર 14 જુલાઈએ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું પરિણામ 16 જુલાઈએ જાહેર કરવામાં આવશે.ત્રણેય સ્પર્ધામાં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનાર સહભાગીઓને અનુક્રમે રૂપિયા 10,000, રૂપિયા 7000 અને રૂપિયા 5000નું ઈનામ આપવામાં આવશે. સહભાગી સ્પર્ધકોએ 14 જુલાઈએ રૂપિય 349ની કોમ્બો ઓફરની ટિકિટ લઈને પોતાની જાતે જુદી જુદી ગેલેરીઓમાં મુલાકાત લઈને ફોટો અને વીડિયો ઉતારવાના રહેશે અને સાંજના 7 વાગ્યા સુધીમાં સબમિટ કરાવવાના રહેશે.

સ્પર્ધામાં ભાગ લેવા માંગતા લોકો https://forms.gle/Hc7YEPREAsPHoY6FA આ લિંક પર ક્લિક કરીને પોતાનું નામ નોંધાવી શકશે.