અમદાવાદમાં યોજાશે બે દિવસીય આંતરરાષ્ટ્રીય સાહિત્ય મહોત્સવ!

અમદાવાદ: શહેરમાં આગામી 5 અને 6 ઓક્ટોબરના રોજ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. એક તરફ અમદાવાદીઓ નવરાત્રિના તહેવારમાં મનભરીને થનગની રહ્યા હશે અને બીજી તરફ સાહિત્ય પ્રેમીઓ પાસે પણ અનોખો ઉત્સવ માણવા માટેનું ખાસ સ્થળ હશે. સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન (CEE) ખાતે આ લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આઇકોન એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા ‘અમદાવાદ ઈન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ’ નામની પહેલ વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી. આ વર્ષે નવમો લિટરેચર ફેસ્ટીવલ યોજાઇ રહ્યો છે.

નવ વર્ષમાં આ ફેસ્ટીવલમાં અનેક નામી-નવોદિત કલાકારો-સાહિત્યકારો ભાગ લઇ ચૂક્યા છે. સાહિત્ય પ્રત્યેના જુસ્સાને પ્રજ્વલિત કરવાના અને નવી પેઢીને સાહિત્ય-કલાના માધ્યમ સાથે જોડી રાખવાના ઉદ્દેશ્ય સાથે યોજાતા આ લિટરેચર ફેસ્ટીવલમાં બાળકો અને યુવાનોમાં સંવાદ થા, વાંચન તરફ યવાનો વળે, વાર્તા કથન અને પઠનમાં લોકોનો રસ વધે અને સાહિત્યપ્રેમીઓ વિવિધ વિષયોની વિશાળ શ્રેણી પર વિચાર-વિમર્શ કરે એ માટે પ્રયત્નો થાય છે.  આ ફેસ્ટિવલમાં લેખિત અને બોલાયેલા શબ્દ બન્નેની ઉજવણી કરવામાં આવે છે. AILF માં અત્યાર સુધીમાં 200 જેટલાં ઓફલાઈન અને ઓનલાઈન સત્રોમાં લગભગ 500થી વધુ સ્પીકર્સ ભાગ લઇ ચૂક્યા છે. અમદાવાદ ઈન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલના આ વર્ષના આયોજન વિશે વાત કરતા AILFના સ્થાપક-નિર્દેશક ઉમાશંકર યાદવે કહે છે, “સાહિત્ય સમાજ માટે કેટલું આવશ્યક છે એ વાત પર અમે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. સાહિત્ય વિના સમાજ તેની સંપૂર્ણ ક્ષમતાનો અહેસાસ કરી શકતો નથી. સાહિત્ય, કવિતા અને લોકપ્રિય સંસ્કૃતિની પ્રાસંગિકતામાં મહિલા પાત્રોના ચિત્રણથી માંડીને યુવા શક્તિને સ્પર્શતા વિવિધ મુદ્દાઓને સંબોધવવા માટે આ વર્ષે ભારત અને વિદેશમાંથી 50થી વધુ વક્તા આવવાના છે. આ વર્ષે રસપ્રદ પેનલ ચર્ચાઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ફિલ્મ પોસ્ટર રિલીઝ સહિત 20થી વધુ સત્રોમાં અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.” આ વર્ષના વક્તાઓમાં જાણીતા પર્યાવરણ કેળવણીકાર કાર્તિકેય સારાભાઈ, જાણીતા પટકથા લેખક નિરેન ભટ્ટ, પૌરાણિક લેખિકા કવિતા કાને, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા, શિક્ષણ-ઉદ્યોગ સાહસિક અને લેખિકા મંજુલા પૂજા શ્રોફ અને કવિ-નવલકથાકાર મુકુલ કુમારનો સમાવેશ થાય છે.લોકપ્રિય સંસ્કૃતિને તેના પ્રેક્ષકોની નજીક લાવવાના પ્રયાસરૂપે, હિન્દી અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના કલાકારો – કરણ ઓબેરોય, વિશાલ યાદવ, નેત્રી ત્રિવેદી અને હાર્દિક શાસ્ત્રી – તેમના કાર્ય, ફિલ્મો, વિવિધ શૈલી અને મનોરંજન વિશેના વિચારો રજૂ કરશે.બે દિવસીય ઉત્સવમાં તાંઝાનિયા, હંગેરી, મોરેશિયસ અને બાંગ્લાદેશના યુવાનો પણ ભવિષ્યને ઘડવામાં સાહિત્યની ભૂમિકા વિશે ચર્ચા કરશે. વધુમાં ભાગ્યેશ ઝા, મેહુલ મકવાણા, નૈષધ પુરાણી અને કેતન ત્રિવેદી દ્વારા ‘ગુજરાતી ભાષા અને સાહિત્યને સમૃદ્ધ કરવામાં સંસ્થાઓની ભૂમિકા’ વિષય પર એક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. અંગ્રેજી કવિ મુકુલકુમાર, ડૉ. સોનાલી પટ્ટનાયક અને ગૌતમ વેગડા સહિત અન્ય લોકો સામાજિક વિકાસમાં કવિતાના મહત્વ વિશે ચર્ચા કરશે.કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની અંકિતા જોષીનું કહેવું છે, “ફરીથી લિટરેચર ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે ઉત્સાહિત છું. મેં ગયા વર્ષના ઉત્સવમાં હાજરી આપી હતી અને ખરેખર બધાં જ સત્રમાં ખુબ જ મજા આવી હતી. શીખવા ઘણું મળ્યું હતું. મને મહિલા લેખકો અને કવિઓને સાંભળવાનું ગમે છે કારણ કે તેમની વાર્તાઓ મને ખૂબ જ રસપ્રદ લાગે છે. આ વર્ષે પણ ઘણાં સારાં સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે તેથી હું ખુબ આતુર છું”સાહિત્યમાં સર્વસમાવેશકતાની જરૂરિયાતને સંબોધતા સોનાલી પટ્ટનાયક, શ્રદ્ધા આહુજા રામાણી, અભિજ્ઞા સજ્જા અને કવિતા કાને “કમ્પેલિંગ વુમન એન્ડ નેરેટિવ્સ: માયથોલોજી, ફિક્શન અને રિયાલિટી” નામના સત્રમાં તેમના વિચારો રજૂ કરશે.આ ફેસ્ટિવલમાં તેના દિવંગત માર્ગદર્શક I.A.S. ડૉ. એસ.કે. નંદાને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. તેમની યાદમાં વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે.