EDના દરોડા બાદ કોંગ્રેસના ધારાસભ્ય કે.સી. વીરેન્દ્રની ધરપકડ

નવી દિલ્હીઃ EDએ કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય કે. સી. વીરેન્દ્રને ધરપકડ કરી છે. EDએ 22 અને 23 ઓગસ્ટે કે. સી. વીરેન્દ્રના બેંગલુરુ, હુબલી, મુંબઈ, જોધપુર અને ગોવામાં આવેલાં અનેક સ્થાનો પર દરોડા પાડ્યા હતા. વીરેન્દ્રના ગોવામાં આવેલા પાંચ કસિનો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

EDને ખબર પડી છે કે કોંગ્રેસના ધારાસભ્ય અનેક ઓનલાઇન સટ્ટાબાજીની સાઇટ્સ ચલાવતા હતા. EDને દરોડા દરમિયાન કોંગ્રેસ ધારાસભ્યનાં સ્થાનો પરથી 12 કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા. તેમાં એક કરોડ રૂપિયાની વિદેશી કરન્સી પણ સામેલ છે અને અનેક લક્ઝરી કાર પણ મળી છે. આ સિવાય લગભગ 6 કરોડ રૂપિયાની કિંમતના સોનાના દાગીના અને 10 કિલો ચાંદી પણ મળી છે.

30 સ્થળોએ EDના દરોડા

ધારાસભ્યની ધરપકડ ગંગટોકમાંથી થઈ છે. ધારાસભ્ય પોતાના કેટલાક સાથીદારો સાથે ગંગટોકમાં કસિનો માટે જમીન લીઝ પર લેવા ગયા હતા. EDએ વીરેન્દ્રનાં 30 સ્થળોએ દરોડા પાડ્યા હતા અને 17 બેંક ખાતાંઓ તથા બે બેંક લોકર ફ્રીઝ કરી દીધા છે. વીરેન્દ્રના ભાઈ કે.સી. નાગરાજ અને તેમના પુત્ર પૃથ્વી એન. રાજના સ્થાનોમાંથી અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. ED જણાવ્યા મુજબ કે.સી. વીરેન્દ્રના ભાઈ કે.સી. થિપ્પેસ્વામી પણ આ કામમાં સામેલ હતા. કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે અને જેમ રીતે સતત પાર્ટીના ધારાસભ્યોનાં સ્થાનો પરથી મોટી માત્રામાં રોકડ અને બેહિસાબ સંપત્તિ મળી રહી છે, તેનાથી નિશ્ચિત રીતે કોંગ્રેસ માટે મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે.