વોટ ચોરીના ‘એટમ બોમ્બ’ બાદ હવે ‘હાઈડ્રોજન બોમ્બ’: રાહુલ ગાંધી

પટનાઃ બિહારની વોટર અધિકાર યાત્રાના સમાપન પ્રસંગે રાહુલ ગાંધી ખૂબ જ આક્રમક અંદાજમાં નજરે પડ્યા હતા. પટનામાં જાહેર સભાને સંબોધતાં તેમણે કહ્યું હતું કે મહાદેવપુરામાં તેમણે ‘વોટ ચોરી’ રૂપે પરમાણુ બોમ્બ ફોડ્યો છે, હવે ટૂંક સમયમાં હાઈડ્રોજન બોમ્બ લાવીશું.

અમે દેશ સામે ‘વોટ ચોરી’નો પુરાવો મૂક્યો છે. વોટ ચોરીનો અર્થ છે લોકોના અધિકારો, લોકશાહી અને ભવિષ્યની ચોરી. જ્યારે અમે વોટ ચોરીનો હાઈડ્રોજન બોમ્બ લાવીશું ત્યારે PM મોદી લોકો સામે પોતાનો ચહેરો બતાવવા લાયક નહીં રહે, એમ તેમણે કહ્યું હતું.જેમણે મહાત્મા ગાંધીની હત્યા કરી, તેઓ હવે લોકશાહી અને બંધારણને ખતમ કરવા માગે છે, પરંતુ અમે તેમને એવું કરવા નહીં દઈએ. લોકસભામાં વિપક્ષના નેતાએ કહ્યું હતું કે “વોટ ચોરી”નો અર્થ છે અધિકારો, આરક્ષણ, રોજગાર, શિક્ષણ અને યુવાનોના ભવિષ્યની ચોરી. તેમણે દાવો કર્યો કે વોટ ચોરી પછી લોકોના રેશન કાર્ડ અને જમીન છીનવી લેવામાં આવશે.

બિહારમાં “ડબલ એન્જિન સરકાર” જવાની છેઃ મલ્લિકાર્જુન ખડગે

કોંગ્રેસાધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો હતો કે આગામી બિહાર વિધાનસભા ચૂંટણી બાદ “ડબલ એન્જિન સરકાર” નહીં રહે અને મહાગઠબંધનની સરકાર બનશે, જે ગરીબો, મહિલાઓ, દલિતો અને પછાત વર્ગોની સરકાર હશે.

તેમણે વોટર અધિકાર યાત્રાના સમાપન પ્રસંગે યોજાયેલી સભામાં જનતાને આહવાન કર્યું હતું કે આ ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધનને સત્તાથી બહાર કરો. યાત્રામાં અડચણ પાડવા માટે પૂરતો પ્રયાસ થયો હતો, પરંતુ રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે યાત્રા પૂર્ણ કરી.  બિહારના લોકો સાવચેત રહો, કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ તમને ડુબાડી દેશે, એમ તેમણે કહ્યું હતું.